સરકારે ખેડૂતોને આપી રાહત : એમએસપી પર ખરીદ્યું ૧૮% વધુ ધાન

49

ત્રણ નવા કૃષિ સુધાર કાયદાઓની વિરુદ્ધ દિલ્હીની સરહદો પર ખેડૂતોના ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે ખરીફ માર્કેટિંગ સીઝનમાં અત્યાર સુધી ૧.૧૬ લાખ કરોડ રૂપિયાનું ટેકાના ભાવે ધાનની ખરીદી ૧૮ ટકા વધીને ૬૧૪.૨૫ લાખ ટન થઈ ચૂકી છે. એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ ખરીફ માર્કેટિંગ સીઝન ૨૦૨૦-૨૧માં સરકાર એમએસપીની હાલની યોજના અનુસાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવ પર ખરીફ ૨૦૨૦-૨૧ પાકોની ખરીદી કરી રહી છે, જેવી રીતે ગયા સત્રોમાં કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, ખરીફ માર્કેટિંગ સેશન ઓક્ટોબરથી શરૂ થાય છે. સરકારે પાંચ ફેબ્રુઆરી સુધી ૬૧૪.૨૭ લાખ ટન ધાનની ખરીદી કરી છે, જે ગયા વર્ષની આ અવધિમાં ૫૨૧.૯૩ લાખ ટનની ખરીદીથી ૧૭.૬૯ ટકા વધુ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ ખરીફ માર્કેટિંગ સેશનમાં ૧,૧૫,૯૭૪.૩૬ કરોડ રૂપિયાના ટેકાના ભાવે ખરીદી અભિયાનથી લગભગ ૮૫.૬૭ લાખ ખેડૂતો પહેલા જ લાભ લઈ ચૂક્યા છે.

ધાનની અત્યાર સુધીની ૬૧૪.૨૭ લાખ ટનની કુલ ખરીદીમાંથી માત્ર પંજાબે ૨૦૨.૮૨ લાખ ટનનું યોગદાન આપ્યું છે, જે કુલ ખરીદીનો ૩૩.૦૧ ટકા હિસ્સો છે.

કેન્દ્ર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ પોતાની આવશ્યક્તાઓને પૂરી કરવા માટે ઘઉં તથા ચોખા જેવી ઉપજને ખરીદે છે. તે બજારની કિંમત ટેકાના ભાવથી નીચે આવતાં દાળ, અન્ય અનાજ અને કપાસ જેવા અન્ય પાકોની પણ ખરીદી કરે છે.