શું છે ડાર્ક વેબ, જેની અંધારી દુનિયામાં અટવાઈ ગઈ દિલ્હીની 150 સ્કૂલને મળેલી ધમકીની તપાસ

શું છે ડાર્ક વેબ, જેની અંધારી દુનિયામાં અટવાઈ ગઈ દિલ્હીની 150 સ્કૂલને મળેલી ધમકીની તપાસ
શું છે ડાર્ક વેબ, જેની અંધારી દુનિયામાં અટવાઈ ગઈ દિલ્હીની 150 સ્કૂલને મળેલી ધમકીની તપાસ

દિલ્હી-NCRની 150 સ્કૂલોમાં બુધવારે અફરા-તફરી મચી ગઈ હતી. સ્કૂલોમાં અફરા-તફરીનું કારણ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી વાળો ઈમેઈલ હતો. દિલ્હી-NCRની અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ઈમેલ દ્વારા આપવામાં હતી. પોલીસે જ્યારે આ મામલે તપાસ કરી તો ઈમેલનો IP એડ્રેસ રશિયાનો નીકળ્યો હતો. 

પોલીસનું કહેવું છે કે, ઈમેલ મોકલવા માટે વિદેશમાં સ્થાપિત સર્વર અને ડાર્ક વેબનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. ડાર્ક વેબના કારણે પોલીસ માટે ઈમેલ મોકલનારને શોધવું મુશ્કેલ બની જાય છે. અગાઉ પણ અનેક સ્કૂલોને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને મોટા ભાગના મામલે ઈમેલ મોકલનાર વિશે માહિતી નથી મળી. તો ચાલો જાણીએ કે, ડાર્ક વેબમાં એવું શું છે કે, ત્યાં બધુ ખોવાઈ જાય છે. 

ડાર્ક વેબ કંઈ અલગ નથી, તે પણ ઈન્ટરનેટનો જ એક હિસ્સો છે, પરંતુ તેના સુધી પહોંચવું થોડું મુશ્કેલ હોય છે. ડાર્ક વેબ ઈન્ટરનેટની દુનિયાનો એવો કાળો હિસ્સો છે જ્યાં તમામ પ્રકારની ગેરકાયદેસર અને કાયદેસર કામો થાય છે. ત્યાં સુધી તમારું સર્ચ એન્જિન સરળતાથી પહોંચી નથી શકતું. તેના માટે સ્પેશિયલ બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવે છે.

ઈન્ટરનેટની દુનિયા ત્રણ હિસ્સામાં વહેંચાયેલી છે. આપણે જે હિસ્સાનો ઉપયોગ પોતાના રોજિંદા જીવનમાં કરી રહ્યા છે તેને સરફેસ અથવા સેફ ઈન્ટરનેટ કહેવાય છે. આ ઈન્ટરનેટની દુનિયાનો માત્ર 4% હિસ્સો જ હોય છે. ત્યારબાદ 96% હિસ્સો ડીપ વેબ અને ડાર્ક વેબ હોય છે.  

આ વાત તમે સમુદ્રના ઉદાહરણથી સમજી શકો છો. જે રીતે સમુદ્ર ત્રણ ભાગમાં વહેંચાયેલો છે. પ્રથમ સમુદ્રની સપાટી જ્યાં Google અને અન્ય સર્ચ એન્જિન હાજર હોય છે. આ સ્તરે તમને તે સામગ્રીઓ નજર આવે છે જે સર્ચ એન્જિન પર ઈન્ડેક્સ હોય છે. ત્યારબાદ આવે છે ડીપ વેબ જે સમુદ્રના તે ભાગ જેવું છે જ્યાં ડાઈવિંગ કરવામાં આવે છે.

આ ઈન્ટરનેટનો એવો હિસ્સો છે જ્યાં એવા કન્ટેન્ટ હોય છે જેને વેબ બ્રાઉઝર અથવા સર્ચ એન્જિન આઈડેન્ટિફાઈ નથી કરતા. બની શકે કે તમારા રોજિંદા કામમાં એવા ઘણા કન્ટેન્ટ હાજર હોઈ શકે છે જે ડીપ વેબનો હિસ્સો હોય. 

ડાર્ક વેબમાં શું હોય છે?

ડાર્ક વેબને તમે ઈન્ટરનેટની દુનિયાનો અંડરવર્લ્ડ સમજી શકો છો. અહીં યુઝર્સના ડેટાનું ખરીદ-વેચાણ થાય છે. લીક થયેલા ડેટાને હેકર્સ ડાર્ક વેબ પર જ વેચે છે. તેને એક્સેસ કરવા માટે તમને સ્પેશિયલ બ્રાઉઝરની જરૂર પડે છે. તેને તમે TOR (The Onion Router) દ્વારા એક્સેસ કરી શકશો. 

આ દુનિયામાં મોટાભાગે એવા વેબ પેજ અને કન્ટેન્ટ હોય છે જે સામાન્ય સર્ચ એન્જિન ઈન્ડેક્સ નથી કરી શકતા. તેને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. અહીં તમે કોઈ હેકરનો પણ શિકાર બની શકો છો. એટલું જ નહીં ડાર્ક વેબમાં કોઈને ટ્રેક કરવું ખૂબ મુશ્કેલ છે. આ જ કારણ છે કે, હેકર્સ તેનો ઉપયોગ કરે છે.

કેવી રીકે બદલાઈ જાય છે IP એડ્રેસ?

IP એડ્રેસ બદલવા માટે VPN અને પ્રોક્સી નેટવર્કનો ઉપયોગ થાય છે. VPN એટલે કે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્ક એ એક એવી ટેક્નોલોજી હોય છે જે તમારા કનેક્શનને સિક્યોર અને પ્રાઈવેટ રાખવામાં મદદ કરે છે. આમાં એન્ક્રિપ્શનનો ઉપયોગ થાય છે, જેના કારણે યુઝરનો IP  સુરક્ષિત રહે છે.

VPN યૂઝર માટે એક ફેક IP એડ્રેસ ક્રિએટ કરે છે. જેના કારણે યૂઝરનું ચોક્કસ લોકેશન શોધવું મુશ્કેલ બની જાય છે. IP એડ્રેસ એટલે કે ઈન્ટરનેટ પ્રોટોકોલ કોઈપણ ડિવાઈસ માટે આધાર કાર્ડ જેવું હોય છે એટલે કે, યૂનિક. તેની મદદથી જ ડિવાઈસની ઓળખ થાય છે.

IP એડ્રેસ કેટલાક નંબરનો એક સેટ હોય છે. તેમાં યુઝરની લોકેશન વિગતો પણ હોય છે. IP એડ્રેસ IANA (ઈન્ટરનેટ એસાઈન્ડ નંબર્સ ઓથોરિટી) જારી કરે છે. કોઈ મોકલેલા ઈમેઈલ પરથી કોઈનું લોકેશન જાણવા માટે પહેલા તેનું IP એડ્રેસ મેળવવામાં આવે છે અને પછી તેને ટ્રેસ કરવામાં આવે છે.

દિલ્હી પોલીસ અને સાયબર ટીમો સમક્ષ મોટો પડકાર

હવે દિલ્હી પોલીસ અને સાયબર ટીમો સમક્ષ મોટો પડકાર એ છે કે કેવી રીતે ડાર્ક વેબ અને પ્રોક્સી સર્વરના નેટવર્કને ક્રેક કરીને તે વ્યક્તિ અથવા શંકાસ્પદ સંગઠનને કેવી રીતે શોધી શકાય જેણે દિલ્હી-NCRની 150 શાળાઓમાં ડર ઊભો કર્યો છે. જેના કારણે સ્કૂલમાં જતા પોતાના બાળકો અંગે દરેક માતા-પિતા પરેશાન થયા અને સુરક્ષા એજન્સીઓ માટે પણ મોટો પડકાર ઉભો થયો છે.