વિશ્વસ્તરે ૧૦.૬૯ કરોડથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા, કુલ ૨૩ લાખથી વધુ મોત

42

કોરોના વાયરસનો કહેર


ચીનના વુહાન શહેરમાંથી પેદા થયેલી કોરોના મહામારી વિશ્વના ૧૯૨ દેશોને તમામ રીતે પ્રભાવિત કરી ચૂકી છે. આ અંગે જાહેર કરાયેલા તાજા રિપોર્ટ મુજબ વિશ્વમાં અત્યાર સુધી ૧૦.૬૯ કરોડથી પણ વધુ લોકો આ મહામારીનો ભોગ બની ચૂક્યા છે જ્યારે ૨૩,૪૧,૦૧૦ સંક્રમિત લોકો જીવ ગુમાવી બેઠા છે. આ રિપોર્ટ અમેરિકાની જોન હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ મુજબ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં સંક્રમણના કુલ કેસનો આંકડો ૨.૭૧ કરોડને પાર કરી ગયો છે જ્યારે ૪,૬૮,૨૦૩ દર્દીઓના મોત થઇ ચૂક્યા છે. વિશ્વમાં સૌથી પ્રભાવિત દેશોની યાદીમાં સામેલ બ્રાઝીલમાં પણ ૯૫.૯૯ લાખ લોકો સંક્રમણનો ભોગ બની ચૂક્યા છે અને ૨.૩૩ લાખથી વધુ લોકોના મોત નીપજ્યા છે. બ્રિટન પણ સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ હતું જ્યાં કુલ કેસ ૩૯.૮૩ લાખથી વધુ છે, અહીં ૧.૧૪ લાખથી વધુ લોકોના મોત થઇ ચૂક્યા છે.

કોરોના મહામારીનો પ્રકોપ યુરોપિયન દેશોમાં પણ જોવા મળ્યો હતો, જેમાં રશિયામાં કુલ કેસ ૩૯.૫૩ લાખ પૈકી ૭૬૩૪૭ મૃત્યુઆંક હતો. ફ્રાન્સમાં કુલ કેસનો આંકડો ૩૪.૧૯ લાખ અને ૮૦ હજારથી વધુ મૃત્યુઆંક હતો. સ્પેનમાં અત્યાર સુધી ૩૦ લાખથી વધુ સંક્રમિતો હતા અહીં ૬૩ હજારથી વધુ લોકો જીવ ગુમાવી બેઠા હતા. ઇટાલી પણ સૌથી વધુ પ્રભાવિત થયું હતું અહીં કુલ કેસ ૨૬ લાખને પાર હતા જેમાં ૯૨ હજારથી વધુના મોત નીપજ્યા હતા.

આ સિવાય તૂર્કીમાં કુલ કેસ ૨૫ લાખથી વધુ, જર્મનીમાં ૨૩ લાખથી વધુ, કોલંબિયામાં ૨૧ લાખથી વધુ લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. આ યાદીમાં આર્જેન્ટિના, મેક્સિકો, પોલેન્ડ એવા દેશો હતાં જ્યાં કુલ કેસનો આંકડો ૧૫ લાખથી વધુ હતો.