સટ્ટાબજારમાં ભાજપને 40, કોંગ્રેસને 30 બેઠકોનું અનુમાન: 2 બેઠક મેળવી ‘આપ’ પણ ખાતું ખોલાવે એવી બજારની ગણતરી
અચાનક હોટ ફેવરીટના સ્થાન પરથી નીચે ખસી ગયો ભાજપ કોંગ્રેસને થોડું ઘણું નુકશાન થવાની શક્યતા આપ વિશે આશ્ચર્ય
અન્ય પાંચ મહાપાલિકાઓની જેમ રાજકોટ મનપાની ચૂંટણીઓમાં પણ ધારણા કરતા પણ ઘણું ઓછું મતદાન થવાને પગલે સટ્ટાબજારમાં પણ ઉથલ પાથલ મચી જવા પામી છે અને નવા ખુલ્લેલા ભાવમાં મુખ્ય પક્ષોની બેઠકોમાં વધ-ઘટની અટકળો થઈ છે. જયારે ત્રીજા પક્ષ આપ નું ખાતું ખુલ્લી શકે એમ હોવાનું બુકી બજારનું માનવું છે. સટ્ટાબજારમાં મુકાયેલા ભાવને અનુસરીએ તો ભાજપને 40 બેઠકો, કોંગ્રેસને 30 બેઠકો પ્રાપ્ત થઇ શકે છે. જયારે સટ્ટાબજાર આપ ને પણ 2 બેઠકો મળે તેવી આગાહી કરે છે. જે સૌથી વધુ આશ્ચર્યજનક છે.
ચુંટણીઓ પછી આ રીતે મતદાનની રૂખ જોઇને ભાજપે બુકી બજારમાં હોટ ફેવરીટનું સ્થાન ગુમાવ્યું છે. કોંગ્રેસની સ્થિતિ થોડી મજબુત દેખાય છે અને આપ નું ખાતું રાજકોટમાં ખુલ્લી રહ્યું હોય આવું બુકીઓનું અનુમાન છે.
સટ્ટાબજારના સુત્રોએ જણાવ્યા મુજબ ચુંટણી મુજબ ભાજપને 52 નહી પણ 50 બેઠક મળે એ મુજબના ભાવ ખુલ્લયા હતા. જો કે મતદાન ઓછું થયું હોવાથી ભાવમાં વધ-ઘટ થઇ ગઈ હતી અને નવા ભાવ મુજબ ભાજપને 40, કોંગ્રેસને 30 અને આપ ને 2 બેઠક મળવાનું અનુમાન થઇ રહ્યું છે.
કોંગ્રેસની સ્થિતિ સટ્ટાબજારમાં વધુ મજબુત બની છે. કેમ કે મતદાન પૂર્વે સટ્ટાબજારમાં કોંગ્રેસને માત્ર 17 સીટ મળે તેવી ગણતરી કરવામાં આવી હતી. એવી સ્થિતિમાં મતદાન પછી ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું છે. હવે 30 સીટ સુધી કોંગ્રેસનો રથ પહોંચી શકે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. અત્યારે તો ભાજપ અને કોંગ્રેસ બંને જીતનો દાવો કરી રહ્યા છે. બંને પક્ષોએ બહુમતી મળવાના સામસામા દાવા કર્યા છે. આપ ને પણ સારા દેખાવનો પાકો વિશ્વાસ છે. રાજકીય પક્ષોને તો ઘણા મતદાન અને બેઠકોની ગણતરી હતી પણ લોકોની નીરસતાએ એમની ગણતરીઓ ઊંધું વાળી નાખી છે. 2015ની ચુંટણીમાં ભાજપને 38 અને કોંગ્રેસને 34 બેઠકો મળી હતી. આ વખતે આપ ની એન્ટ્રી થવાથી ત્રિ-પાંખીયો જંગ ફેલાયો છે. પ્રચાર દરમિયાન આપ નો અંડર કરંટ પણ જોવા મળીયો છે. રાજકોટમાં આ વખતે મહિલા મતદાન ઓછું થયું છે અને પુરુષોનું પ્રમાણ વધારે રહ્યું છે. તેની પરિણામમાં નોંધપાત્ર અસર થઇ શકે છે.
ઉમેદવારોની વાત કરીએ તો બુકી બજારમાં કેટલાક ઉમેદવારોના ભાવ પણ ખુલ્લયા છે. ભાજપના જયમીન ઠાકરના 50 પૈસા, કેતન પટેલના 50 પૈસા, પરેશ પીપળીયાના 52 પૈસા, વર્ષાબેન પંધીના 50 પૈસા, નેહલ શુક્લના 50 પૈસા અને જીતુ સાટોડીયાના 55 પૈસા જેવો ભાવ ખુલ્યો છે. કોંગ્રેસમાં એક માત્ર અતુલ રાજાણીનો 40 પૈસાનો ભાવ ખુલ્યો છે.