સતત વધતો જતો મોંધવારીનો દર સ્થાનીક રાજકારણને ડામાડોળ કરી નાખશે
ઇંધણના ભાવો અને રસોઇ ગેસના ભાવોથી બહેનોની નારાજગીનો ઉમેદવારોને કડવો અનુભવ, ધણા વિસ્તારોમાં પદયાત્રા દરમ્યાન જોઇએ તેવો રીસપોન્સ ન મળવા પાછળ ભાવ વધારો કારણ ભૂત
કેન્દ્રીય સ્થળેથી ઝીંકાઇ રહેલા ભાવ વધારાને પગલે ભાજપમાં પણ ભારે કચવાટ ફેલાયો, કોંગ્રેસ અને આપના ઉમેદવારોને પ્રચારમાં ધોકો પછાડવાનો મોકો મળી ગયાનો ભાજપને વસવસો
લોકોના મન જીતવા માટે આકાશ પાતાળ એક કરતા ઉમેદવારો સામે ચિંતાનો પહાડ
રાજકોટ મનપા સહિત રાજયભરમાં મનપા, પાલિકા અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં બરાબર જંગ જામ્યો છે એવા સમયે અને જયારે ઉમેદવારો લોકોના આગણે જઇને એમના દિલ જીતવાની કોશીસોમાં આકાશ-પાતાળ એક કરી રહયા છે. એ સમયે પેટ્રોલ-ડીઝલ તથા રસોઇ ગેસના ભાવોમાં ઉપરા ઉપર વધારો રાજકીય પક્ષો માટે ગ્રહણ ટાણે સાપ નિકળ્યા જેવો બની ગયો છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીઓમાં સ્થાનિક પ્રશ્ર્નો અગ્ર સ્થાને રહેતા હોય છે એ સાચુ પરંતુ મોંધવારી એક એવો પ્રશ્ર્ન છે જે સીધ્ધો આમ આદમીને ર્સ્પશ કરે છે અને ગૃહિણીઓના દિમાગનો પારો આશમાને લઇ જવાનું નિમિત્ત બને છે. સ્થાનિક ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ઉપરા ઉપરી ભાવ વધારા કરીને ઇન્ડીયન ઓઇલ કંપનીએ ચૂંટણીઓ લડી રહેલા રાજકીય પક્ષોના હવનમાં હાડકા નાખવાનું કામ કર્યુ હોવાની ત્રીવ લાગણી રાજકીય પક્ષો વ્યકત કરી રહયા છે. ભાજપમાં તો તેનો કચવાટ ઉભો થવા પામ્યો છે. કેમ કે ચૂંટણીઓ સમયે કોઇ પણ પ્રકારનો અસાધારણ ભાવ વધારો કરવામાં આવે તો મત માંગવા માટે નિકળેલા કોઇ પણ રાજકીય પક્ષને અને ખાસ કરીને સત્તાપક્ષને તો બિલકુલ પરવડે નહીં.
ઇન્ડીયન ઓઇલ કંપની અને સરકાર દ્વારા છેલ્લા એક મહિનાથી ભાવ વધારાની ગાડી પુરપાટ દોડાવવામાં આવી રહી છે. કોઇ બ્રેક નથી જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવો મહદ અંશે દૈનિક ધોરણે વધી રહયા છે. જેની સીધ્ધી અસર પરીવહન ઉદ્યોગ પર થાય છે. ઇન્ડીયન ઓઇલ કંપનીના બાબુ સાહી વ્યવસ્થા તંત્રને એ ભાન પડતું નથી કે, પેટ્રોલ અને ડીઝલ માત્ર કાર અને ટુ-વ્હીલરમાં ભરવામાં આવતા નથી. આ કોઇ માત્ર વ્યકિતગત ઉપયોગની વસતુ નથી. બલકે હિન્દુસ્તાનમાં આવશ્યક ચિઝ વાસ્તુઓની હેરફેરની જીવાદોરી સમાન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મહતમ પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ થતો હોય છે. સતત ભાવ વધે એટલે ટ્રાન્સપોર્ટ સંચાલકે પણ ના છુટકે પ્રતિ કિલોમીટર દર વધારવાની ફરજ પડે છે. જેનો બોજો વેપારીઓના ખંભે આવે છે અને વેપારીઓ એ બોજો આમ આદમીના ખંભા પર નાખે છે. સરવાળે છેવટેતો આમ જનતાએ જ મોંધવારીના વિષચક્રમાં પીલાતા રહેવું પડે છે. પરિણામે લાખો કરોડો પરિવારોના રસોડાના બજેટ વેરવીખેર થઇ જાય છે. જેની સીધ્ધી અસર સામાજીક પરિપ્રેક્ષીયમાં જોઇએ તો ખુબ જ ગંભીર પરિણામો સર્જે છે. આ વસ્તુ સરકારી બાબુઓના ધ્યાનમાં કદી આવે નહીં.
ભાવ વધારો જે રીતે થઇ રહયો છે તેના કારણે ભાજપના ઉમેદવારોને સ્થાનિક ચૂંટણીઓમાં લોકોના રોષ અને પ્રશ્ર્નોનો સામનો કરવો પડી રહયો છે. બીજી તરફ વિપક્ષી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ મુદ્ો ચૂંટણીનો મહત્વનો મુદ્ો બની રહે તેમ છે એટલે એ પક્ષો ગેલમાં આવી ગયા છે અને મોંધવારીના મુદ્દાને સ્થાનિક પ્રશ્ર્નો જેટલું જ મહત્વ આપીને લોકોના મનમાં જગ્યા બનાવવાની વેતરણમાં પડી ગયા છે. આ પરિસ્થિતિ ભાજપ માટે દ્રીધાભરી એટલા માટે છે કે, કેન્દ્રમાં અને રાજયમાં બન્ને સ્થળે ભાજપ સત્તા પર છે ત્યારે લોકોને જવાબ શું આપવો તેની ભાજપ નેતાગીરીને મુંઝવણ થઇ પડી છે. જયારે જયારે સ્થાનિક ચૂંટણીઓ અને એ પણ અટલી મહત્વની ચૂંટણીઓ લડાઇ રહી હોય ત્યારે કમશે કમ ભાવ વધારા જેવા પગલાથી દુર રહેવું જોઇએ. એ સામાન્ય બુધ્ધીની વાત છે. પણ તેનાથી ઉલટુ બની રહયું છે એ દર્શાવે છે કે, ભાજપની સ્થાનિક, રાજય અને કેન્દ્રીય નેતાગીરી વચ્ચે સંકલનનો સ્પટ અભાવ દેખાઇ રહયો છે. ભાવ વધારો અને ચૂંટણીમાં વિજય એ એક સાથે સંભવી શકે નહીં એટલું તો રાજકારણનો ર ન જાણતો માણસ પણ સહેલાઇથી સમજી જાય ત્યારે ભાજપની નેતાગીરીને કેમ આ મુદ્ો સમજમાં આવતો નથી. તેને લઇને ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ લડી રહેલા ભાજપના નેતાઓના ચહેરા પર તંગદીલીની લકીરો ખેંચાઇ ગયેલી સ્પષ્ટ દેખાઇ આવે છે. પણ ભાજપના નેતાઓ વિરોધ કરવા જાય તો કોનો કરે? ખુદ એમના જ પક્ષ અને એમની સરકારનો વિરોધ કરવાની હિંમ્મત કઇ રીતે બતાવી શકે? રાજકોટમાં ઇંધણ અને રસોઇ ગેસના ભાવ વધારાએ સ્થાનિક રાજકારણ પર તિવ્ર અસર બતાવવાનું શરૂ કરી દીધુ છે. સ્થાનિક રાજકારણ ભાવ વધારાને કારણે ડામાડોળ થવા લાગ્યું છે.
ચૂંટણીઓ જીતવા માટે અને લોકોના સમર્થન માટે રાત-દિવસ દોડોદોડ કરી રહેલા ઉમેદવારો માટે ચીંતાનો પહાડ ખડકાઇ ગયો છે. ભાજપના ઉમેદવારોમાં ખાસ ચીંતાનું મોજું એટલા માટે ફરી વળ્યું છે કે, લોકો સીધ્ધો એમને સવાલ પુછવાના છે કે સરકાર તમારી છે ત્યારે તમે ભાવ વધારાનો વિરોધ કેમ કરી રહયા નથી. ધણા વિસ્તારોમાં પદયાત્રા દરમ્યાન જોઇએ તેવો રીસપોન્સ ન મળવા પાછળ પણ ભાવ વધારો કારણ ભૂત માણવામાં આવે છે. આ નવી પરિસ્થિતિએ કોંગ્રેસ અને આપને હરખાઇ જવાનો મોકો આપ્યો છે એમને ભાવ વધારાના આ પગલા પાછળ ઇશ્ર્વરીર્ય આર્શીવાદ નજરે પડવા લાગ્યા છે. આગામી દિવસોમાં રાજકોટમાં સ્થાનિક પ્રશ્ર્નોની જગ્યાએ વિપક્ષો ભાવ વધારાનો મુદ્ો પ્રચારના જંગમાં મુખ્ય બનાવે તો નવાઇ નહીં લાગે.