રાજકોટમાં વધુ એક હત્યા? ચોથા માળેથી નીચે પટકાતા યુવાનનું મોત

રાજકોટમાં વધુ એક હત્યા? ચોથા માળેથી નીચે પટકાતા યુવાનનું મોત
રાજકોટમાં વધુ એક હત્યા? ચોથા માળેથી નીચે પટકાતા યુવાનનું મોત

રાજકોટમાં વધુ એક હત્યા થઈ હોવાની શંકાએ પોલીસે તપાસ આદરી છે. ગઈકાલે બપોરે ચોથા માળેથી નીચે પટકાતા એક યુવાનનું મોત થયું હતું. જોકે મરતા પહેલા યુવાને કહ્યું હતું કે ’મને કોઈએ ધક્કો માર્યો હતો’ જેને બનાવ હત્યાનો છે? કે કેમ ? તેને લઈ આંટી ધૂંટી રચાઈ છે. રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ આવેલ ધરમનગર ક્વાર્ટરમાં ગઈકાલે આ બનેલી બની હતી.

મૂળ ધ્રાંગધ્રાનો મૃતક વિપુલ ઉર્ફે વાસુદેવ ગુજ્જરને 108માં લઇ જતા હતા ત્યારે અંતિમ કથન કહ્યું હતું. જેથી યુનિવર્સિટી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે.

આ અંગે મળતી વિગત મુજબ, મૃતક વિપુલ ઉર્ફે વાસુદેવ માધાભાઈ ગુજ્જર (ઉ.વ.35, રહે.ધરમનગર આવાસ કવાર્ટર, સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ, રાજકોટ) ગઈકાલે બપોરે ત્રણ વાગ્યા આસપાસ ધરમનગર આવાસના ચોથા માળે પોતાના ક્વાર્ટરમાં હતો. એ પછી તે અચાનક ચોથા માળેથી જમીન પર પટકાયો હતો. તેના બહેન નિશાબેન પણ ત્યાં કવાર્ટરમાં રહેતા હોય કોઈએ તેને જાણ કરતા તેઓ દોડી ગયા હતા.

તત્કાલ કોઈએ 108ને ફોન કર્યો હોય, એમ્બ્યુલન્સ આવી જતા તેમાં વિપુલને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેની બહેને પૂછ્યું કે, ભાઈ તે આવું કેમ કર્યું? ત્યારે વિપુલ બોલ્યો કે, હું જાતે નથી પડ્યો. કોઈએ મને ધક્કો માર્યો હતો.

આ બાદ એબ્યુલન્સના ડોકટરે કોણે ધક્કો માર્યો એવું પૂછતાં વિપુલે કહ્યું કે, મને ખબર કોણે ધક્કો માર્યો, પણ હું દવાખાને જઈને કહીશ. આટલી વાત થયા બાદ સિવિલ હોસ્પિટલમાં લાવતા વિપુલે દમ તોડી દીધો હતો. ડોકટર અને મૃતકના બેને અંતિમ કથન સાંભળ્યું હોય, પોલીસને જણાવતા યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક મજૂરી કરતો, તેને સંતાનમાં 1 દીકરી અને એક દીકરો છે. તે 3 ભાઈ અને બે બહેનમાં નાનો હતો. તેઓ મૂળ ધ્રાંગધ્રાના વતની હતા.