રાજકોટમાં કોરોના કેસની સંખ્યા 15600ને પાર કરી 15626 પર પહોંચી ગઈ છે. કેસની સંખ્યામાં નજીવો વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 122 દર્દી સારવાર હેઠળ છે.
ગઇકાલે શુક્રવારે શહેરમાં 23 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ મોતની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. ચૂંટણી ટાણે કેસની સંખ્યામાં વધારો દેખાતા ચૂંટણી બાદ કેસ વધે તેવી શક્યતા છે. તંત્રએ જાહેર કરેલા આંક મુજબ શુક્રવારે રાજકોટ શહેરમાં નવા 37 અને ગ્રામ્યમાં 9 સહિત જિલ્લામાં 46 પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે કુલ પોઝિટિવની સંખ્યા 22515 થઈ છે.
કેસમાં નજીવો ઉછાળો આવતા એક્ટિવ કેસ કે જે 170 કરતા ઘટી ગયા હતા તે વધીને 182 થયા છે. શુક્રવાર સવારની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના મોત નીપજ્યા છે આ રીતે છેલ્લા 4 જ દિવસમાં 5 દર્દીઓના મોત નીપજ્યાનું જાહેર કરાયું છે. જો કે તેમાંથી કેટલા મોત પાછળ કોરોના જવાબદાર છે તે ઓડિટ કમિટીમાંથી બહાર આવ્યું નથી. મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર શુક્રવારે 592 લોકોને રસી અપાઈ છે. જેમાં હેલ્થ વર્કર ઉપરાંત ફ્રન્ટલાઈન કોરોના વોરીયર્સ એવા સરકારી કર્મીઓ અને પોલીસ સ્ટાફનો સમાવેશ થાય છે.