બાળાઓની હાથ-પગ બંધાયેલી હાલતમાં લાશો મળતા ચકચાર, તાકીદે તપાસનો આદેશ આપતી યોગી સરકાર
ઉત્તર પ્રદેશના ઉન્નાવ જીલ્લામાં બુધવારે સાંજે બે બાળાઓની લાશ એમના ખેતરમાંથી મળી આવી હતી અને અન્ય એક બાળા ગંભીર હાલતમાં મળી આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને સનસનાટી પ્રસરી વળ્યા છે. યોગી સરકારે તપાસનો આદેશ આપ્યો છે. ઉન્નાવ પોલીસે શંકા વ્યકત કરી છે કે, બાળાઓએ ઝેર પીને આપઘાત કર્યો હોવાનું પ્રથમ દર્શી નજરે પડે છે. કેમ કે, બાળાઓના શરીર પર ઇજાઓના નિશાન દેખાયા નથી. જોકે ભેદી રીતે મૃત્યુ પામનાર બાળાઓના ભાઇએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે, પરિવારના ખેતરમાંથી દીકરીઓની લાશ મળી ત્યારે ત્રણેયના હાથ,પગ બંધાયેલા હતા. 13 અને 16 વર્ષની બે બાળાઓ મૃત હાલતમાં મળી હતી. જયારે ત્રીજી 17 વર્ષની બાળાને ગંભીર હાલતમાં દવાખાને ખસેડવામાં આવી હતી. ત્રણ પૈકી બે બાળાઓ સગી બહેનો હતી.
જયારે 13 વર્ષની બાળા એમની પીતરાઇ બહેન થતી હતી. મરનાર બાળાઓના ભાઇ એ જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે અમે ખેતરમાં ધાસનો જથ્થો લેવા ગયા હતા ત્યારે અમે બહેનોને ત્યાં જોઇ ન હોતી આસપાસ તપાસ કરતા ત્રણેય બહેનો હાથ, પગ બાંધેલી હાલતમાં મળી આવી હતી. એમની ચુંદડીથી એમના હાથ, પગ બાંધી દેવાયેલા દેખાયા હતા. લખનવ રેન્જના આઇજી લક્ષ્મીસીંધે અલગ વાત કરતા જણાવ્યું હતું કે, આ બાળાઓ બાંધેલી હાલમાં મળ્યાની પોલીસને જાણ નથી. મરનારના ભાઇએ નિવેદન આપ્યું છે એટલે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ પહોંચી એ પહેલા ત્યાથી લાશો ઉઠાવી લેવાઇ હતી. જયારે ઉન્નાવના એસપી કુલકરણીએ જણાવ્યું હતું કે, ત્રણેય બાળાઓ ઇંધણ અને ધાસ લેવા માટે ખેતરે ગઇ હતી. એમના મોઢામાંથી સફેદ ચીકણો પ્રવાહ નીકળતો દેખાયો હતો એટલે ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા છે. સ્થળ પર કોઇ ઝપાઝપી થઇ હોય એવા નીશાન દેખાયા નથી છતાં અમે તમામ દ્રષ્ટિએ તપાસ કરી રહયા છીએ. ઉત્તર પ્રદેશમાં સનસનાટી મચાવી દેનાર અને સમાજને હચમચાવી દેનાર આ ઘટનાથી રાજકારણ ગરમાયુ છે. વિરોધ પક્ષોએ યોગી સરકારને આડે હાથ લીધી છે. સમાજવાદી પાર્ટીના નેતા અખીલેશ યાદવે એવો આક્ષેપ કર્યો હતો કે, સમગ્ર ઘટના પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ આ સરકાર કરી છે. પી.એમ. રીર્પોટ આવે એટલે તાત્કાલીક જાહેર થવો જોઇએ.