શાળાઓમાં વર્ગો વધી ગયા, બાળકોની સંખ્યા વધી પરીણામે સંક્રમણનો રાક્ષસ ફરી બેઠો થયો, રાજકીય પ્રચાર લીલા દરમ્યાન તમામ પ્રકારની કાળજી અભેરાઇ પર ચડાવવાનું પરીણામ નજરની સામે
જે બુથ ચૂંટણીને કારણે બંધ કરી દેવાયા હતા એ તમામ ટેસ્ટ બુથ યુધ્ધના ધોરણે શરૂ થવા જરૂરી, મનપાથી માંડીને ઉચ્ચ કક્ષાના વહીવટી તંત્ર સુધી તમામ વિભાગોએ વહેલાસર જાગવુ રહયું નહીંતર…
હવે ફરીથી પહેલાની જેમ કોરોના સામે મહાયુધ્ધ લડવાની ચિંતામાં ગરકાવ થયો આમ આદમી, વેક્સિનેશન, સ્ક્રીનીંગ અને ટેસ્ટીંગની ધીમી પડેલી કામગીરી વેગવાન બનાવવી જરૂરી
રાજકોટ સહિત છ મહાનગરોમાં ચૂંટણીઓ પુરી થઇ ગઇ છે અને જે વસ્તુનો ડર રાખવામાં આવતો હતો એ ડર મોઢુ ફાડીને સામે આવીને ઉભો રહી ગયો છે. હજી તો શહેરી ચૂંટણીઓ પતી છે અને ગ્રામીય વિસ્તારોની ચૂંટણીઓ બાકી છે. જેના માટે આવતીકાલે મતદાન થવાનું પરંતુ ચૂંટણીની ભયાનક આડઅસરો પ્રજા જીવનમાં દેખાવાનું શરૂ થઇ ગયું છે. કોરોના સામે એક નવા જંગ ખેલવાનો વારો આવ્યો છે. જેની ચિંતામાં આમ આદમી ગરકાવ થઇ ગયો છે. એક મતની એવડી મોટી કિંમત ચુકવવી પડશે તેનો કોઇ અંદાજ બાંધી શકાય તેમ નથી. લોકશાહી પ્રક્રિયા આગળ ધપાવતા રહેવી પડે એ હક્કીત ખરી પણ સાવચેતી અને સાવધાની રાખવાનું પણ એટલુ જ જરૂરી ગણાય એ સાવધાની સતર્કતા તાજેતરમાં શહેરી ચૂંટણીઓના જંગમાં બીલકુલ જોવા મળ્યા નહીં. તેના કારણે રાજકોટ સહિતના જે છ મહાનગરોમાં ચૂંટણીઓ પૂરી થઇ ત્યાં હવે કોરોનાની મહામારી ફરીવાર ઉતપાત મચાવવાનું શરૂ કરી દીધુ છે. એટલે સ્વભાવીક છે આમ આદમીને ગભરાટ થાય. રાજકીય પ્રક્રિયા દરમ્યાન સાવધાનીને અભેરાઇએ ચડાવી દેવાનું જે ઝનુન અને વટ બતાવવામાં આવ્યા છે. તેનું પરીણામ સામાન્ય જનતાએ ભોગવવાનું આવ્યું છે અને એ એકડે એકથી કોરોના સામેના મહા જંગનો પ્રારંભ કરવો પડયો છે.
વેક્સિનેશન કામગીરી શરૂ કરીને લોકોને એક પ્રકારના ભ્રમમાં નાખી દેવામાં આવ્યા હતા અને જન સમુહને ભ્રમીત રાખીને અને કોરોનાના કેસો અને મૃત્યુ આંકના આંકડા રહસ્યમય રીતે ઓછા કરીને રાજકીય ગોર પોતાનું તરભાણુ ભરી ચુકયા છે પ્રજાનું જે થવાનું હોય તે થાય. આપણે રાજકીય રેલીઓ, રોડ-શો, જાહેર સભાઓ, વોર્ડ બેઠકો, લત્તાવાર જમણવારોમાં ઉમદતી પ્રચંડ અને જંગી ભીડના દ્રશ્યો જોયા અને તેનું વરવુ અને કડવુ પરીણામ હવે આપણી નજરની સામે છે.
પરિસ્થિતિ દિવસે-દિવસે વણસી રહી છે. જેના કારણે લોકો પર કોરોનાનો મહાખતરો વધુ એક વખત પોતાનો ઓથાર ફેલાવી રહયો છે. અચાનક કેસોમાં ઉછાળો આવવા લાગ્યો છે. મત માંગવા નિકળેલા રાજકીય પક્ષોના પ્રચારના જંગમાં ટેસ્ટીંગ અને સ્ક્રીનીંગ સાવ ભુલાઇ જવા પામ્યા હતા. પરીણામે ઠેર-ઠેર ઉભા કરવામાં આવેલા કોરોનાના રેપીડ ટેસ્ટના બુથનો વાવટો સંકેલાય ગયો હતો. બીજી તરફ ચારેય તરફ ભીડ અને ભીડ જ નજર આવતી હતી પરીણામે કોને કોનાથી ચેપ લાગ્યો અને કોણ કેવી રીતે કેટલુ સંક્રમીત થયું તેનો કોઇ જ અંદાજો બાંધી શકાય એવું ન હોતું. જેના કારણે હવે કોરોનાએ માથુ ઉચકી લીધુ છે. એટલે રસીકરણની કામગીરીને બેવડી નહીં પણ ત્રેવડી ગતીથી વ્યાપક બનાવવાની જરૂરીયાત ઉભી થવા પામી છે. જો એવું નહીં થાય તો પરીણામો ધણા જ ભયંકર અને ગભરાવી દેનારા રહે છે.
એ હકીકતનો કોઇ ઇનકાર કરી શકે નહીં કે, ચૂંટણી લડવી એ દરેક રાજકીય પક્ષનો બંધારણીય અધિકાર છે અને તેમા સહભાગી બનવા અને પોતાના પ્રતિનિધિઓને પસંદ કરવાનો પ્રજાને અધિકાર છે. એ બધુ સાચુ પરંતુ સાથે સાથે કોરોના જેવી મહામારી જેનો સચોટ ઇલાજ હજુ સુધી મળ્યો નથી. માત્ર એક વેક્સિન પર આશા રાખવામાં આવી રહી છે. એવા કપરા સમયમાં રાજકીય લોકો એ જ પોતે સાવધાની અને સાવચેતીનું ઉદાહરણ પ્રસ્થાપીત કરવાનું સૌથી વધુ જરૂરી હતું. કમ નશીબે એવું કશું થયું નથી. માનવ મુલ્ય સાવ ધટાડી નાખવામાં આવ્યું હોય તેમ રાજકીય મેળાવડાઓમાં દરેક પક્ષોના મોટા ભાગના નેતાઓ અને કાર્યકરોએ કોરોનાની ભયાનકતાની ખુલ્લે આમ અવગણના કરી છે. લાખો લોકોના જાન જોખમમાં નાખી દીધા છે અને પરિસ્થિતિ ગંભીર બનાવી દીધી છે. ત્યારે લોકોના મોઢા ઉપર ફરી એકવાર એવો સવાલ રમતો થઇ ગયો છે કે, અપરાધી કૌન? કોરોનાની સંક્રમણની સ્થિતિ જે હદે બગડતી જાય છે તે દર્શાવતા આંકડા ખુદ સરકાર અને તેના વિભાગો જાહેર કરી રહયા છે.
આ કોઇ સત્તા વિરોધી કે રાજકીય પક્ષ વિરોધી મીડિયાનો પ્રચાર નથી પણ ખુદ સત્તા તંત્ર દ્વારા જાહેર થતા આંકડાઓ કોરોનાની બાજી બગડતી હોવાના ગભરાવી દેનારા સંકેત આપી રહયા છે. આ પરિસ્થિતિ આપણને 2019ની ભયાનકતાના કાળ તરફ ધકેલે નહીં એ જોવાની દરેક વર્ગની ફરજ બને છે. એ માટે ટેસ્ટીંગ, ટ્રેસીંગ અને વેક્સિનેશન ત્રણેય મોરચે યુધ્ધના ધોરણે કામગીરી શરૂ થઇ જવી જોઇએ. સામાન્ય માનવીને હજુ સુધી કોવિડ રસી પહોંચી નથી. હજુ સુધી માત્ર આરોગ્ય કર્મીઓ અને કોરોના વોરીયર્સનું જ રસીકરણ કરવામાં આવી રહયું છે. હવે 45થી ઉપરની વયના અને કોમોરબીડીટી ધરાવતા આમ જનને ઝડપથી વેક્સિન પહોંચાડવાની જરૂરીયાત ઉભી થઇ છે. એ માટે ગોકળ ગાયની ગતી બીલકુલ નહીં ચાલે દરેક જિલ્લાઓમાં આ કામગીરી તાકિદના ધોરણે હાથ પર લેવામાં આવે અને બીજા સરકારી કામોને બીજા ક્રમે રાખવામાં આવે એ બહુ જરૂરી બન્યું છે. ખાસ અને વધુ ચિંતા કરાવતી બાબત એ છે કે, શાળાઓના પણ ધડાધડ શરૂ થઇ ગયા છે. ધોરણ 6 થી 12 સુધીના વર્ગો શરૂ થઇ ગયા હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગોમાં વધતી જાય છે. એના પરીણામે ખાલી વર્ગ ખંડો ધટતા જાય છે. એટલે હવે શાળા સંચાલકો વર્ગમાં એક બેંચ પર બે વિદ્યાર્થીઓને બેસાડી રહયા હોય એવું જાણવા મળી રહયું છે. હજુ સંખ્યા વધતી જશે તો વધારે બાળકોને પણ બેંચ પર બેસાડવા પડે તેવી સ્થિતિ નિર્માણ થઇ રહી છે અને એવું થાય તો સેકડો હજારો બાળકોનું આરોગ્ય જોખમમાં મુકાઇ શકે છે. આ દિશામાં સરકારે તાકિદે અગ્રતાના ધોરણે ઉપચારાત્મક પગલા લેવા પડશે. નહીંતર શાળાઓ અને કોલેજો ફરીથી બંધ કરવાનો વારો આવી શકે છે. બાળકો માટે આ વેક્સિન બની નથી તેનું હજુ સંશોધન ચાલી રહયું છે. એટલે હવે બાળકોની સલામતી માટે શાળાઓમાં ઉપાયો કરવા રહયા. કોઇપણ પ્રકારની બેદરકારીનું પરીણામ ખતરનાક આવી શકે છે. વર્ગોમાં સંખ્યા મર્યાદિત જ રાખવી પડશે. ધણી શાળાઓ એવી છે જેમની પાસે ફાઝલ ખાલી વર્ગ ખંડો હોતા જ નથી ત્યાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. જેનો ઉપાય સરકારે શોધવાનો રહેશે.