પેટ્રોલ-ડીઝલના રેકોર્ડબ્રેક ભાવનો મુદ્દો બુધવારે સંસદમાં ઉઠ્યો ત્યારે મોદી સરકારના પેટ્રોલિયમ પ્રધાને કહૃાું કે પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રણ અમારા હાથમાં નથી. રાજ્યસભામાં પ્રશ્રકાળ દરમિયાન ઘણા પક્ષના સાંસદોએ આ મુદ્દો ઉઠાવીને સરકારના જવાબની માગણી કરી હતી.
આ મુદ્દે જવાબ વાળતા પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે પેટ્રોલ અને ડીઝલના વધતા જતા ભાવો પર સરકારનું કોઈ નિયંત્રણ નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ પેટ્રોલિયમ કંપનીઓ નક્કી કરે છે અને તે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવને આધારે નક્કી કરાતા હોય છે સરકારની તેમાં કોઈ ભૂમિકા નથી.
ટીએમસી સાંસદ શાંતનું સેને જણાવ્યું કે સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરવો જોઈએ તો ભાવ ઘટી શકે છે. આ મુદ્દે બોલતા પ્રધાને કહૃાું કે પેટ્રોલ અને ડીઝલના ભાવો ફક્ત કેન્દ્ર સરકારના ટેક્સ પર જ નહીં પરંતુ રાજ્ય સરકારો અને આંતરરાષ્ટ્રીય ભાવ પર પણ નિર્ભર હોય છે. તેના ભાવ બજાર ભાવ પ્રમાણે નક્કી થયા હોય છે. સરકારી તેલ કંપનીઓ ભાવ નક્કી કરતી હોય છે.
પ્રધાને કહૃાું કે રાજ્ય સરકાર પણ પોતાની મરજી પ્રમાણે વિકાસ અર્થે ટેક્સમાં વધારો કે ઘટાડો કરતી હોય છે. તેમણે કહૃાું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર બધી સરકારો ટેક્સ લગાડતી હોય છે. આંતરતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધઘટ થાય તે રીતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કે ઘટાડો થતો રહે છે. સરકાર તેમાં કશું કરી શકે તેમ નથી.