દેશમાં ૨૪ કલાકમાં ૧૫.૧૪૪ નવા કેસ નોંધાયા, ૧૮૧ દર્દીના મોત

37

ભારતમાં હાલ માત્ર ૨.૦૮ લાખ કોરોનાના એક્ટિવ કેસ, કુલ મૃત્યુઆંક ૧,૫૨,૨૭૪એ પહોંચ્યો

દેશમાં શનિવારથી કોરોના વેક્સીનેશનનું અભિયાન શરૂ થતાં કોવિડ-૧૯ સામેની લડાઈ વધુ મજબૂત બની છે. બીજી તરફ સંક્રમિત થતા દર્દીઓની સંખ્યામાં પણ સતત ઘટાડો જોવા મળી રહૃાો છે ઉપરાંત મૃત્યુદર પણ કાબૂમાં આવી રહૃાો છે. રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દૃેશમાં ૧૫,૧૪૪ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૮૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૫,૫૭,૯૮૫ થઈ ગઈ છે.

દેશમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૧ લાખ ૫૨ હજાર ૨૭૪ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૭,૧૭૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૨,૦૮,૮૨૬ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૨,૨૭૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૬ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૮,૬૫,૪૪,૮૬૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, શનિવારના ૨૪ કલાકમાં ૭,૭૯,૩૭૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ૨૪ કલાકમાં ૫૦૫ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જ્યારે રાજ્યભરમાંથી ૭૬૪ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને ઘરે પરત ફર્યા હતા. આમ રિકવરિ રેટ ૯૫.૭૧ ટકા જેટલો થયો છે. રાજ્યમાં અત્યાર અત્યાર સુધીમાં આરોગ્ય વિભફાગના સઘન પ્રયાસોના લીધે ૨,૪૪,૪૦૩ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. ગુજરાતમાં ૨૪ કલાકમાં કુલ ૩ લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં ૧, રાજકોટમાં ૧, રાજકોટ શહેરમાં ૧ વ્યક્તિનો સમાવેશ થાય છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસે કુલ ૪૩૬૩ લોકોનો ભોગ લીધો છે.