ભારે પુરને કારણે બચાવ કામગીરીમાં હાડમારી, બાકી રહેલા શ્રમિકોના જીવતા હોવાની આશા ગુમાવતા પરિવારજનો
સ્થળ પર ગુસ્સે ભરાયેલા લોકોનો બચાવ ટુકડીઓને ધેરાવ
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં તપોવન ટનલમાં ફસાયેલા અંદાજે 30થી વધુ શ્રમિકોને બચાવી લેવા માટે છેલ્લા એક અઠવાડીયાથી બચાવકાર ટુકડીઓ જબરો સંઘર્ષ કરી હતી ત્યારે નદીમાં ફરીથી આવેલા ભારે પુર અને હવામાનને કારણે બચાવકારોની કામગીરીમાં ભારે વિઘ્ન સર્જાયું છે. ટનલમાં ફસાયેલા પોતાના સ્વજનો જીવીત હોવા અંગે હવે એમના પરીવારજનો પણ આશા ગુમાવી રહયા છે અને ચીંતાતુર બની ગયા છે. આજે સવારે પોતાના પરીજનોની ભાળ મેળવવા માટે ટનલ પાસે ભેગા થયેલા લોકોએ બચાવકાર ટુકડીઓને ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર દેખાવો કર્યા હતા.
ટનલમાં વધુ ઉંડે જવા માટેનો પ્રયાસ ફરી આવેલા પુરને કારણે નિષ્ફળ બન્યો અને બચાવ કામગીરી હાડમારી સભર બની ગઇ છે. દહેરાદુન ખાતે આજે ઉત્તરાખંડના ડીજીપી અશોકકુમારે જણાવ્યું હતું કે, ટનલમાં પ્રવેશવા માટે કાદવ અને પથ્થરોનો ખડકાયેલો ગંજ બહાર કાઢવામાં આવી રહયો છે. ફસાયેલા શ્રમિકો સુધી પહોંચવા માટે બાજુમાં બીજી ટનલ ખોદવામાં આવી રહી છે અમે હજુ આશા ગુમાવી નથી અને શકય તેટલી વધુ જીંદગી બચાવી લેવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહયા છીએ.
શ્રમિકોના પરિવારજનોએ ઉગ્ર દેખાવો કર્યા હતા એ અંગે ડીજીપીએ કહયું હતું કે, અમે ટનલમાં ફસાયેલા લોકોનો સંપર્ક કરવા અને બહાર લાવવા માટે તમામ પ્રયાસો કરી રહયા છીએ. લોકોએ ધીરજ ગુમાવવી ન જોઇએ.
દરમ્યાન ગઇ રાત્રે નદીમાં ભારે પુર આવતા બચાવ કામગીરી અટકી પડી હતી. નીચે બીજી એક ભુર્ગભ ટનલ ખોદીને ફસાયેલા સુધી પહોંચવાના પ્રયાસ થઇ રહયા છે. ઋષી ગંગા અને ધૌલીગંગા નદીઓમાં વળી પુર આપતા રેસ્કયુ કામગીરી થોડો સમય અટકાવી દેવી પડી છે અત્યાર સુધીમાં બચાવકાર ટીમોને 36 મૃતદેહો મળી આવ્યા છે. સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ હજુ 160 થી વધુ વ્યકિતઓ લાપત્તા છે.
ગઢવાલના ડીવીઝનલ કમિશનર રવિનાથ રમણે કહયું હતું કે, ટનલમાં કેટલો ગારો અને ખડકો છે તેના પર અમારી સફળતાનો આધાર રહે છે. નીચે બીજી ટનલ ખોદવામાં પણ મુશ્કેલી પડી રહી છે. કેમ કે જે કંઇ ગારો, કિચડ અને ખડકોથી ટનલ ભરાઇ ગઇ છે તેના કારણે ટનલમાં ફસાયેલા લોકો પર જોખમ વધી રહયું છે એટલે અમે એમના સુધી પહોંચવા જબરદસ્ત પ્રયાસો કરી રહયા છીએ. જો ટનલમાંથી એસકેપ્રુટ બનાવી શકાય તો કામ આસાન થઇ જશે. પણ નદીઓમાં પુરને કારણે 10 મીનીટમાં 40 મીટર ઉચાઇ જેટલું પાણી ભરાઇ ગયું હતું. એટલે રેસ્કયુ ટીમનો વધુ ઉંડે જવાનો રસ્તો બંધ થઇ ગયો હતો.