હજુ બચાવ કાર્ય ચાલુ, વધુ 13 મૃતદેહો મળી આવ્યા, કુલ મૃત્યુ આંક 51, ટનલમાં ફસાયેલા જીવતા હોવાની આશા ગુમાવી દેતા પરીવારજનો
ગઇકાલે રેસ્કયુ દરમ્યાન ટનલમાંથી 6 મૃતદેહો મળી આવ્યા
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં તપોવન ટનલમાંથી શ્રમીકોને જીવતા બહાર કાઠવાની આશા આજે લગભગ ઓશરી જવા પામી છે. ગઇકાલથી આજ સુધીમાં બચાવકાર ટુકડીઓને ટનલમાંથી 6 મજુરોના મૃતદેહો મળી આવ્યા હતા. કુલ 13 મૃતદેહો મળી આવ્યા છે અને આ રીતે ઉત્તરાખંડ ગ્લેશીયર હોનારતનો મૃત્યુઆંક વધીને 51 પર પહોંચી ગયો છે. બચાવકાર ટુકડીના સુત્રોએ જણાવ્યા મુજબ હજુ 153 લોકો લાપત્તા છે.
તપોવન ટનલમાં ફસાઇ ગયેલા શ્રમીકોને ઉગારવા માટે લશ્કર અને એનડીઆરએફની છેલ્લા 9 દિવસથી પ્રયાસો કરી રહી છે. પરંતુ હવે અંદર કોઇ જીવતુ હોવાની આશાઓ રહી નથી. એક પછી એક મૃતદેહો મળી રહયા છે. એટલે હવે ટનલમાં કોઇ જીવતુ રહયું હોવાની આશા રેસ્કયુ ટીમો ગુમાવી ચુકી છે. છતાં આજે છેલ્લી ઘડીનો એક પ્રયાસ કરવામાં આવી રહયો છે. ગત બે દિવસ દરમ્યાન નદીઓમાં આવેલા ભારે પુર અને ટનલની અંદર ભરાયેલા કાદવ, કીચર અને ખડકોને કારણે બચાવકાર ટુકડીઓ માટે શ્રમીકોને જીવતા બહાર લાવવાનું અશકય બની ગયું હતું. પોતાના પરીવારજનોના મીલનની આશાથી અહીં આવેલા પરીવારજનોએ પણ હવે એમના સ્વજનો જીવતા રહયા હોવાની આશા ગુમાવી દીધી છે.