ટાવર તોડફોડ મામલે રાજ્યપાલે અધિકારીઓને બોલાવતાં કેપ્ટન ભડક્યા

35

પંજાબના રાજ્યપાલ વી.પી. સિંહ બદનૌરે રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ વડાને રાજ્યમાં મોબાઈલ ટાવરોની તોડફોડ મુદ્દે જવાબ આપવા બોલાવતાં કેપ્ટન અમરીન્દરસિંહ ભડક્યા છે. કેપ્ટનનું કહેવું છે કે, રાજ્યપાલે જે કંઈ પૂછવું હોય એ મને પૂછી શકે છે કેમ કે પંજાબમાં હું સરકાર ચલાવું છું. રાજ્યપાલે સરકારી અધિકારીઓને સીધા બોલાવીને તેમની પાસે રીપોર્ટ માંગીને પોતાના હોદ્દાની ગરિમા ઘટાડી છે. કેપ્ટને કટાક્ષ પણ કર્યો કે, રાજ્યપાલને ખાનગી કંપનીના ટાવરોની ચિંતા છે પણ ઠંડી-વરસાદમાં અધિકારો માટે લડતા ખેડૂતોની ચિંતા નથી.

ખેડૂત આંડોલન દરમિયાન એક ખાનગી કંપનીઓના ૧૬૦૦ જેટલા ટાવરોની તોડફોડ કરાઈ છે. ભાજપના નેતાઓએ મંગળવારે આ મુદ્દે રાજ્યપાલ સામે રજૂઆત કરી તેના કલાકોમાં જ રાજ્યપાલે બંને અધિકારીને સમન્સ આપીને બોલાવ્યા હતા. બંધારણીય નિષ્ણાતોના મતે, રાજ્યપાલનું વર્તન ભાજપના પ્રતિનિધી હોય એવું છે. અધિકારીઓ પાસેથી જવાબ માગવાની સત્તા સરકારને જ છે તેથી રાજ્યપાલે તેમની મર્યાદા ઓળંગીને પ્રજામતનું અપમાન કર્યું છે. રાજ્યપાલે મુખ્યમંત્રી અથવા ગૃહ મંત્રી પાસે જ રીપોર્ટ માગવો જોઈએ.