ચેન્નઇ સ્થિત આઇટી ઇન્ફ્રા કંપનીમાં તથા મદુરાઇ સ્થિત ઓફિસો સહિત પાંચ સ્થળે આવકવેરા વિભાગના દરોડામાં એક હજાર કરોડ રૂપિયાની ગુપ્ત આવક પકડાઇ છે. કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (સીબીડીટી)ના જણાવ્યાનુસાર શુક્રવારે કરાયેલી કાર્યવાહીમાં કંપનીએ સિંગાપોરમાં એક કંપનીમાં રોકાણ કર્યું હોવાના પુરાવા મળ્યા છે. બે કંપની સિંગાપોરની કંપનીની શેરહોલ્ડર છે, જેમાંથી એક આ આઇટી ઇન્ફ્રા કંપની છે. સામાન્ય રોકાણ બાદ પણ તેની પાસે ૭૨ ટકા શેર છે. દરમિયાન, બીજી કંપનીએ લગભગ પૂરા પૈસાનું રોકાણ કર્યું છે અને તેની પાસે ૨૮ ટકા હિસ્સેદારી છે.
તેના થકી કંપનીને ૨૦૦ કરોડ રૂ. મળ્યા છે, જેનું વર્તમાન મૂલ્ય ૩૫૪ કરોડ રૂપિયા છે. તે ઇક્ધમ ટેક્સ રિટર્નમાં બતાવાયા નથી. તદુપરાંત, કંપનીએ પાંચ બોગસ કંપનીઓના માધ્યમથી ૩૩૭ કરોડ રૂપિયા આમ-તેમ કર્યા છે. કંપનીએ બેક્ધો પાસેથી મળેલી રકમ ગ્રૂપની અન્ય કંપનીઓને વગર વ્યાજે પ્રોપર્ટીમાં રોકાણ માટે પૂરી પાડી અને ૪૨૩ કરોડ રૂપિયાનું વ્યાજ ન ચૂકવ્યું. ગ્રૂપે ૫૦૦ કરોડ રૂપિયાની કીંમતની ૮૦૦ એકર જમીન બોગસ કંપનીઓ દ્વારા ખરીદી છે. કંપની સામે કાળાં નાણાં વિરોધી તથા બેનામી સંપત્તિ કાયદા હેઠળ કાર્યવાહી કરાઇ રહી છે. આવકવેરા વિભાગ દ્વારા જણાવાયું કે સિંગાપોરમાં રજિસ્ટર્ડ કંપનીમાં રોકાણથી તેને શંકા ગઇ.
તે કંપનીના શેરહોલ્ડિંગમાં જે બે કંપનીના નામ સામે આવ્યા તેમાંથી એક જ્યાં દરોડા પડ્યા તે કંપની છે જ્યારે બીજી કંપની એક મોટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ એન્ડ ફાઇનાન્સ ગ્રુપની પેટાકંપની છે. જે કંપનીમાં દરોડા પડ્યા છે તેની સિંગાપોરમાં રજિસ્ટર્ડ કંપનીમાં ૭૨ ટકા હિસ્સેદારી છે પણ તેનું રોકાણ બહુ ઓછું છે. બાકીની હિસ્સેદારી બીજી કંપનીની છે પણ તેનું રોકાણ બહુ વધારે છે.