ચીનને ઝટકો: ટ્રમ્પે ૮ ચાઈનીઝ સોટવેર એપ સાથે વ્યવહાર પર પ્રતિબંધ મૂક્યો

39

વિદાય લઇ રહેલ ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય

વિદાય લઇ રહેલા અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને વધુ એક આંચકો આપ્યો હતો. વ્યાપારી લેવડદેવડ માટે વપરાતી આઠ એપ પર અમેરિકાએ બૅન જાહેર કર્યો હતો.
આવી આઠ સોટવેર એપમાં વીચૈટ પે અને જેક માના એંટ ગ્રુપની અલીપેનો પણ સમાવેશ થયો હતો. આ આઠ એપ પર બૅન લાદતા આદેશ પર મંગળવારે ડોનાલ્ડ ટ્રમ્પે સહી-સિક્કા કર્યા હતા. આ તમામ એપ ચીની કંપનીઓની છે. ટ્રમ્પે એવો આક્ષેપ કર્યો હતો કે આ એપ્સ દ્વારા વપરાશકારોના ડેટા ચીનમાં પહોંચી રહૃાા હતા. આ રીતે આ એપ્સ દ્વારા ચીન જાસૂસી કરી રહૃાું હતું.

આ આદેશનો અમલ ૪૫ દિવસ પછી થશે. જો કે એ પહેલાં ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાલી કરી નાખ્યું હશે. આ આદેશ પર સહી-સિક્કા કરવા અગાઉ ટ્રમ્પે બાઇડન વહીવટ કરતા ગ્રુપ સાથે કોઇ ચર્ચા વિચારણા કરી નહોતી.

એક સરકારી અધિકારીએ કહૃાું હતું કે જે આઠ એપ્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો એ આઠ મહત્તમ ડાઉનલોડ કરવામાં આવતી હતી. એટલે કે ટ્રમ્પનેા આક્ષેપ સાચો હોય તો કરોડો વપરાશકારોના ડેટા ચીનને મળી ચૂક્યા હતા.

અત્યાર અગાઉ ટ્રમ્પ શાસને ચીનની બાઇટડાન્સની વિડિયો એપ ટીકટૉક પર પ્રતિબંધ લાદ્યો હતો. જો કે અમેરિકી કોર્ટે આ પ્રતિબંધને ગેરકાયદે જાહેર કરીને એનો અમલ અટકાવી દીધો હતો. અત્રે એ યાદ કરવા જેવું છે કે અમેરિકાની પહેલાં ભારત સરકારે ચીનની ૨૨૪ એપ્સ પર પ્રતિબંધ ઝાહેર કર્યો હતો જેનું અમેરિકા અને અમેરિકી સેનેટર્સે સ્વાગત કર્યું હતું.

જો કે એવું પણ બની શકે કે વિદાય લઇ રહેલા પ્રમુખના આ આદેશને કોઇ વપરાશકાર કોર્ટમાં પડકારે અને કોર્ટ આ આદેશને પણ રદ કરે અથવા બાઇડન સત્તા પર આવ્યા બાદ કદાચ આ આદેશમાં કોઇ ફેરફાર કરે કે એને રદ કરે.