સોશ્યલ મીડિયા સાઈટ ટ્વિટર ફરી એક વખત ભારતમાં વિવાદોમાં ઘેરાઈ છે.ટ્વિટરે કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહનુ એકાઉન્ટ ગઈકાલે રાતે લોક કરી નાંખ્યુ હતુ.
આ મુદ્દો ટ્વિટર પર ચર્ચાનો વિષય બન્યો હતો.જોકે ગણતરીના કલાકોમાં ટ્વિટરે ફરી એકાઉન્ટ ચાલુ કરી દીધુ હતુ.ટ્વિટરનુ કહેવુ છે કે, એક ભૂલના કારણે તથા ગ્લોબલ પોલિસી હેઠળ અમે આ એકાઉન્ટ થોડા સમય માટે બંધ કરી દીધુ હતુ, જોકે આ નિર્ણય તરત પાછો ખેંચવામાં આવ્યો હતો અને હવે એકાઉન્ટ સંપૂર્ણ રીતે કાર્યરત છે.
ટ્વિટરે અમિત શાહના એકાઉન્ટ પરથી તેમનો પ્રોફાઈલ ફોટો હટાવી દીધો હતો અને તેની પાછળ કોપીરાઈટનો ભંગ થતો હોવાનુ કારણ આપ્યુ હતુ.જોકે ટ્વિટરે કોપીરાઈટનો ભંગ થતો હોવાની ફરિયાદ કોણે કરી હતી તેની કોઈ સ્પષ્ટતા કરી નહોતી.જોકે ટ્વિટર પર જ ટ્વિટરની યુઝર્સ દ્વારા ભારે ટીકા થવા માંડી હતી.એ પછી ટ્વિટરે પોતાની ભૂલ સુધારી હતી.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ટ્વિટરે લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશને નકશામાં ચીનનો હિસ્સો બતાવ્યો તો.જેના પર ટ્વિટરને ભારત સરકારે નોટિસ પણ ફટકારી છે. સરકારે ટ્વિટરને પૂછ્યુ છે કે, ખોટી રીતે નકશો બતાવવા બદલ ટ્વિટર તથા તેના પ્રતિનિધિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં કેમ ના આવે તે અંગે ટ્વિટર ખુલાસો કરે.