ગુપ્ટિલે ટી-૨૦માં સૌથી વધારે રન મામલે રોહિતને શર્માને પછાડ્યો

વેલિંગટનમાં ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ૫ મેચની ટી-૨૦ સિરીઝની છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટે હરાવી દીધુ હતુ. આ મેચમાં ન્યૂઝીલેન્ડના ઓપનર બેટ્સમેન માર્ટીન ગુપ્ટીલએ શાનદાર ફિફટી ફટકારી હતી. આ સાથે જ ગુપ્ટિલે ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધારે રનોના મામલે ભારતના ઓપરન બેટ્સમેન રોહિત શર્માને પાછળ છોડી દીધો હતો.

ઓસ્ટેલિયાની સામે છેલ્લી મેચમાં માર્ટિન ગુપ્ટિલે ફક્ત ૪૬ બોલમાં ૭૧ બનાવ્યા હતા. ગુપ્ટિલની આ પારીના કારણે ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટે હરાવી દીધુ હતું. આ મેચમાં પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ૮ વિકેટે ૧૪૨ રન બનાવ્યા હતા, જવાબમાં ન્યૂઝીલેન્ડે માત્ર ૩ વિકેટ ગુમાવીને જીત મેળવી હતી. આ સાથે જ ન્યૂઝીલેન્ડે આ સિરીઝ ૩-૧થી જીતી લીધી હતી.

ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં સૌથી વધુ રન બનાવવાના મામલે માર્ટિન ગુપ્ટિલે હવે ટીમ ઈન્ડિયાના હિટમેન કહેવાતા રોહિત શર્માને પાછળ છોડી દીધો છે. માર્ટિન ગુપ્ટિલના નામે હવે ૯૯ મેચોમાં ૨૮૩૯ રન છે. આ દરમિયાન તેમણે બે સદી અને ૧૭ અડધી સદી ફટકારી છે. બીજી તરફ રોહિત શર્માએ ૧૦૮ મેચમાં ચાર સદી અને ૧૭ અડધી સદીની મદદથી ૨૭૭૩ રન બનાવ્યા છે.

ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના નામે છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી ૮૫ મેચમાં ૨૯૨૮ રન બનાવ્યા છે. આ દરમિયાન વિરાટે ૨૫ અડધી સદી ફટકારી છે, જ્યારે તેની સરેરાશ ૫૦.૫ છે. વિરાટ કોહલીએ ૨૦૧૦માં ટી૨૦માં પોતાનું ડેબ્યૂ કર્યું હતું.