દેશભરમાં રેલીઓ કાઢવાનું કિસાન નેતાનું એલાન
હરિયાણાના બહાદુર ગઢમાં મહાપંચાયત સમક્ષ ઝંઝાવાતી પ્રવચન
દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા પંજાબ-હરિયાણાના કિસાન આંદોલનમાં મુખ્ય ચહેરો બનીને ઉપસી આવેલા કિસાન નેતા રાકેશ ટિકૈતે આજે એવા આકરા અને અણધાર્યા વિધાનો કર્યા હતા કે, દેશ આઝાદ થઇ ગયો છે. પરંતુ ગુજરાતના લોકો કેદમાં છે. હું ગુજરાતના લોકોને પણ સ્વતંત્ર કરાવવા માંગુ છું.
હરિયાણાના બહાદુરગઢ સાથે યોજાયેલી કિસાન મહાપંચાયતમાં ઝંઝાવાતી પ્રવચન કરતા કિસાન નેતાએ ગુજરાત સહિત દેશભરમાં રેલીઓ કાઢવાનું એલાન કર્યુ હતું. બીકેયુના પ્રવકતા એવા આ કિસાન નેતાએ નવા કૃષિ કાયદા પાછા ખેંચવાની માંગ દોહરાવી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાત જઇને તેને હું આઝાદ કરાવીશ ગુજરાત કેન્દ્રના અંકુશમાં છે. દેશ ભલે આઝાદ છે પણ ગુજરાતના લોકો હજુ કેદમાં છે. જો તેઓ આંદોલનમાં જોડાવવા માંગતા હોય તો એમને જેલમાં ધકેલી દેવામાં આવે છે.
કિસાન નેતાએ સાફસાફ જણાવ્યું હતું કે, કૃષિ કાયદા પાછા ખેંચાયા બાદ જ મારી ઘર વાપસી થશે ત્યાં સુધી સિંધુ બોર્ડર મારી ઓફીસ બની રહેશે. કેન્દ્ર વાતચીત કરવા માંગતી હોય તો અમે તૈયાર છીએ. તેમણે ચાર વ્યકિત દેશ ચલાવી રહયાની રાહુલ ગાંધીની વાત સાથે સંમતી દર્શાવી હતી. તેમણે કહયું હતું કે, જો સરકાર આજે વાત કરવા ચાહતી હોય તો પણ તૈયાર છીએ. 10 દિવસ બાદ અથવા આવતા વર્ષે વાતચીત કરવી હોય તો પણ અમે તૈયાર છીએ. અમે દિલ્હીમાં ખીલ્લા ઉખાડીયા વીના પરત ફરશુ નહીં. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં ખેડૂતોનો મુદ્ો જોરશોરથી ઉઠાવ્યો હતો અને એવી ટકોર કરી હતી કે, દેશને ચાર લોકો ચલાવી રહયા છે, અમે બે અને અમારા બે. રાહુલના નિવેદન સાથે કિસાન નેતાએ સંમતી વ્યકત કરી હતી. દરમ્યાન સિંધુ બોર્ડર અને ટીકરી, પલવલ વગેરે સ્થળે ખેડૂતો વધુ લાંબો સંઘર્ષ કરવાની તૈયારીઓમાં પડી રહયા છે. ગરમીની સીઝન શરૂ થઇ રહી હોવાથી કિસાનોના ટેન્ટમાં પંખા લગાવવામાં આવી રહયા છે. ટેન્ટની ઉંચાઇઓ પણ વધારવામાં આવી રહી છે. જયાં ધરણા થઇ રહયા છે ત્યાં એ.સી. ટ્રોલીયો મુકવામાં આવી છે.