ક્રિકેટ ધોની બન્યો સર્વશ્રેષ્ઠ ગોપાલક: ખિતાબ આપી સન્માનિત કરાયા

11

ક્રિકેટના ઈતિહાસના મહાન કેપ્ટનો પૈકીના એક અને સર્વશ્રેષ્ઠ ફિનિશર મહેન્દ્ર સિંહ ધોની હવે સર્વશ્રેષ્ઠ પશુપાલક પણ બની ગયા છે. બિરસા કૃષિ વિશ્ર્વવિદ્યાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમને પૂર્વીય ભારતમાં પશુપાલન ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય અને યોગદાન બદલ સર્વશ્રેષ્ઠ ગોપાલકનો ખિતાબ આપવામાં આવ્યો છે.

મહેન્દ્ર સિંહ ધોની ૪૩ એકરના ફાર્મ હાઉસમાં શાકભાજી, ફળની ખેતી ઉપરાંત ડેરી ફાર્મ ચલાવે છે. શનિવારે બિરસા કૃષિ વિશ્ર્વવિદ્યાલયમાં ચાલી રહેલા પૂર્વ ક્ષેત્ર પ્રાદેશિક એગ્રોટેક ખેડૂત મેળામાં તેમને સન્માનસ્વરૂપે સ્મૃતિ ચિહ્ન અને શાલ આપવામાં આવ્યા હતા. જેનો તેમના પ્રતિનિધિ કુણાલ ગૌરવે સ્વીકાર કર્યો હતો.

રાંચીના કાંકે ખાતે આવેલી બિરસા કૃષિ વિશ્ર્વવિદ્યાલયમાં પૂર્વ ક્ષેત્રના પ્રાદેશિક કૃષિ મેળા અને એગ્રોટેક ખેડૂત મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જાનવરોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં પહેલી વખત મહેન્દ્ર સિંહ ધોનીના ડેરી ફાર્મની બે ગાય રજૂ કરવામાં આવી હતી. તેમાં એક ક્રોસ બ્રીડ અને બીજી સાહિવાલ પ્રજાતિની હતી. ક્રોસ બ્રીડ ગાયની સાથે વાછરડી પણ હતી. આ ગાય દરરોજ ૩૫ લીટર દૃૂધ આપે છે.

૬ સદસ્યો ધરાવતી નિર્ણાયક મંડળીએ વિજેતાઓની પસંદગી કરી હતી. પસંદગી પ્રક્રિયામાં ગાયની શારીરિક સંરચના, દૃૂધની ક્ષમતા વગેરેની પરખ કરવામાં આવી હતી. રાંચી ખાતેના મહેન્દ્ર સિંહ ધોનીના ફાર્મ હાઉસમાં અલગથી ડેરી ફાર્મ બનાવવામાં આવ્યું છે જેમાં હાલ ૧૦૪ ગાય છે. તેમાં સૌથી વધારે ગીર, ફ્રીજિયન અને સાહિવાલ પ્રજાતિની ગાયો છે જેમાં દેશી નસ્લની ગાયોનો પણ સમાવેશ કરાયો છે.

Previous articleબોયફ્રેન્ડ રોહનના બર્થડે પર મોડી રાત્રે ડિનર માટે નિકળી શ્રદ્ધા કપૂર, ડ્રેસને લઇ ચર્ચામાં
Next articleપંતને બાંધી રાખવો ખૂબ જ મુશ્કેલ: રુટ