નિશ્ર્ચિત થઇને રસીકરણ કરાવવા વડાપ્રધાનની અપીલ
એઇમ્સ હોસ્પિટલમાં ભારત બાયોટેકની કો-વેક્સિન લીધી
આપણા વૈજ્ઞાનિકો અને ડોકટરોએ ટૂંકા ગાળામાં શાનદાર કામ કર્યુ છે
આવો સાથે મળીને દેશને કોરોના મુકત કરીએ : વડાપ્રધાન મોદી
દેશભરમાં કોરોના રસીકરણનો બીજો મહત્વનો તબક્કો શરૂ થઇ રહયો છે. ત્યારે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. એઇમ્સ હોસ્પિટલમાં સવારે પહોંચી જઇ વડાપ્રધાને ભારત બાયોટેક-આઇસીએમઆર દ્વારા ઘર આંગણે બનાવવામાં આવેલી કો-વેક્સિન રસીનો પ્રથમ ડોઝ લીધો હતો.
રસીકરણ કરાવ્યા બાદ વડાપ્રધાને દેશવાસીઓને નિશ્ર્ચિત થઇને રસીકરણ કરાવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોવિડ-19 સામેના જંગમાં ખુબ જ ટુંકા ગાળામાં દેશના વૈજ્ઞાનિકો અને તબીબોએ શાનદાર કામગીરી કરી બતાવી છે. તેમણે સાથે મળીને દેશને કોરોના મુકત કરવાની તમામ દેશવાસીઓને હાકલ કરી હતી.
એઇમ્સ હોસ્પિટલમાં વડાપ્રધાન પહોચ્યા ત્યારે પાંચ રાજયોને જાણે ચૂંટણી સંદેશો આપતા હોય એવો માહોલ સર્જાયો હતો. આસામ અને બંગાળ સહિતના પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણીઓ થઇ રહી છે. ત્યારે એઇમ્સ પહોંચેલા વડાપ્રધાને આસામનો વિખ્યાત ગમછો ધારણ કર્યો હતો. આ ગમછો આસામમાં મહિલાઓ માટે આશીર્વાદનું પ્રતિક માનવામાં આવે છે. એટલુ જ નહીં વડાપ્રધાનને રસી આપનાર બન્ને નર્સો પણ પુડુચેરી અને કેરળની હતી. કો-વેક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ વડાપ્રધાને નિશ્ર્ચિત થઇને રસીકરણ કરાવવા સહુ લાભાર્થીઓને અપીલ કરી હતી.
સરકારી સુત્રોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનને એઇમ્સ સુધી જવાના રૂટ પર ટ્રાફીક અટકાવવાની મનાઇ કરી હતી અને એમનો કાફલો રસ્તા પર કોઇ નિયંત્રણો લાગુ કર્યા વિના જ એઇમ્સ પહોંચ્યો હતો.
આજથી દેશભરમાં કોરોના રસીકરણનો બીજો તબક્કો શરૂ થઇ રહયો છે. ત્યારે બીજા તબક્કાના સહુ પ્રથમ લાભાર્થી તરીકે વડાપ્રધાને આજે વેક્સિન લીધી હતી અને દેશના તમામ બુઝુર્ગો તથા લાભાર્થીઓને રસી લઇલેવા અનુરોધ કર્યો હતો.