કોંગ્રેસના વિધાનસભાના સભ્યોએ ઉપ-સભાપતિને ખુરશી ખેંચીને નીચે ઉતાર્યા, ધક્કા-મુક્કી કરી

69

કર્ણાટક વિધાન પરિષદમાં મંગળવારે ગૌરક્ષા કાયદાને લઈને હોબાળો થયો હતો. કોંગ્રેસના કેટલાક વિધાન પરિષદ સભ્યો(MLC) ઉપ-સભાપતિ ભોજેગૌડાના આસન સુધી પહોંચી ગયા હતા. આ લોકોએ ઉપ-સભાપતિને ખેંચીને ખુરશીની નીચે ઉતારી દીધા અને ધક્કા-મુક્કી કરી હતી. એ પછી કેટલાક વિધાન પરિષદના સભ્યોએ તેમને કોંગ્રેસના MLC પાસેથી છોડાવ્યા. પછી કોંગ્રેસના MLCને સદનની બહાર કાઢવામાં આવ્યા. કોંગ્રેસના MLCએ આ કાયદાના વિરોધમાં નારેબાજી કરી હતી.

કોંગ્રેસના MLC પ્રકાશ રાઠોડે આ અંગે કહ્યું- સદનની કાર્યવાહી ચાલી રહી ન હતી. તેમ છતાં ભાજપ અને જનતાદળ સેક્યુલર(JDS)એ ઉપ-સભાપતિને ગેરકાયદે રીતે તેમની ખુરશી પર બેસાડ્યા હતા. એ વાત ખૂબ જ દુ:ખદ છે કે ભાજપ આ પ્રકારની ગેરકાયદે બાબત કરી રહી છે. કોંગ્રેસે ઉપ-સભાપતિને આસન પરથી ઊતરવાનું કહ્યું હતું. કર્ણાટક વિધાનસભામાં કર્ણાટક પ્રિવેન્શન ઓફ સ્લોટર એન્ડ પ્રિવેન્શન ઓફ કેટલ બિલ-2020 પર ચર્ચા થવાની હતી. આ બિલ 9 ડિસેમ્બરે વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું હતું. ત્યારે પણ કોંગ્રેસના ધારાસભ્યોએ આ બિલને લઈને બબાલ કરી હતી. કોંગ્રેસના કેટલાક સભ્યોએ વિધાનસભાનો બહિષ્કાર પણ કર્યો હતો. જોકે આ મુદ્દે ચર્ચા થઈ શકી ન હતી.

કર્ણાટકના કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે રાજ્યમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવાનો કાયદો યોગ્ય નથી. આ કાયદો આવ્યા પછી લધુમતી પર હુમલાઓ વધશે. કોંગ્રેસ નેતાઓનું કહેવું છે કે ભાજપે રાજકીય ફાયદો લેવા માટે આ કાયદો લાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં અગામી મહિનાથી બે તબક્કામાં ગ્રામપંચાયતની ચૂંટણી થશે. આ કાયદો લાવીને ભાજપ ઈમોશનલ કાર્ડ રમી રહી છે.