ચૂંટણી પંચના ઇરાદા તરફ શંકાની સોય તાકતા મુખ્ય વિરોધ પક્ષો, મોદી-શાહના કહેવાથી કાર્યક્રમ અપાયાની મમતા બેનર્જીની ટકોર
એકમાત્ર પ્રશ્ચિમ બંગાળ વિધાન સભાની ચૂંટણીઓમાં આઠ-આઠ તબક્કા નિશ્ચિત કરવાના ચૂંટણી પંચના નિર્ણયથી ભારે રાજકીય વિવાદ ઉભો થવા પામ્યો છે અને વિરોધ પક્ષોએ પંચના ઇરાદા પરત્વે શંકા કુશંકાની લાગણી વ્યકત કરી છે. પ્રશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તો એટલી હદે ટકોર કરી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના કહેવાથી ચૂંટણી પંચે બંગાળનો ચૂંટણી કાર્યક્રમ નક્કી કર્યો હોય એવું લાગે છે. સંખ્યા બંધ વિરોધ પક્ષોએ આઠ તબક્કાના કાર્યક્રમ સામે વિરોધ વ્યકત કર્યો છે.
કોલકત્તામાં યોજાયેલી ખાસ પરીસરમાં મમતાએ જણાવ્યું હતું કે, મને મારા સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે, ભાજપને ગમતી હતી એ ઢબે અને એ પ્રકારે બંગાળની વિધાન સભા ચૂંટણીઓની તારીખ પંચે નક્કી કરી છે. શું આ મોદી અને શાહના સુચન મુજબ થયું છે?
ડાબેરી પક્ષોએ પણ સ્પટ આક્ષેપ કર્યો હતો કે, એક આ રાજયમાં આઠ તબક્કાની લાંબી ચૂંટણીઓ યોજવા માટેનું કોઇ વિશ્વસનીય વાજબી કારણ ચૂંટણી પંચ આપી શકયું નથી. બંગાળમાં 27 માર્ચથી શરૂ થનારી ચૂંટણી છેક 29 એપ્રીલ સુધી ચાલશે.
માર્કસવાદી પક્ષના મહાસચિવ સિતારામ યેચુરીએ આટલી લંબાણ પૂર્વક ચૂંટણી પ્રક્રિયા ચલાવવાનું કારણ સમજાવવા ચૂંટણી પંચને અનુરોધ કર્યો હતો. તેમણે કહયું હતું કે, કેરલ, તામિલનાડુ અને પુડુચેરીમાં એક દિવસમાં અને આસામમાં ત્રણ તબક્કામાં ચૂંટણીઓ પુરી થઇ જાય છે. તો બંગાળમાં 1 મહિનો ચાલશે. કઇ રીતે માર્કસવાદી એમએલ જુથના મહામંત્રી દિપકંર ભટ્ટાચાર્યએ ટ્વીટ કર્યુ હતું કે, ચેન્નાઇમાં પાંચ દિવસનો ટેસ્ટ મેચ અમદાવાદમાં બે દિવસનો બની જાય છે. તામિલનાડુમાં એક દિવસમાં પુરી થતી ચૂંટણી બંગાળમાં આઠ તબક્કા ચાલે છે. શું આ રમત કોઇ સમજાવી શકશે? મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચૌહાણે આવા કાર્યક્રમ પાછળ કોઇ ષડયંત્ર હોવાની શંકા વ્યકત કરી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા જયવિર શેરગીલે પણ ચૂંટણી પંચની આકરી ટીકા કરી હતી અને એવો આક્ષેપ કર્યો હતો કે, વન નેશન વન ઇલેકસનનું સુત્ર બંગાળ માટે લાગુ થતું નથી. સરકારની કહેણી અને કરણીમાં ફરક છે. બીજા એક કોંગ્રેસી નેતા તારીક અનવરે ટકોર કરી હતી કે, ભાજપને મદદ કરવા માટે જાણી જોઇએ ચૂંટણી પંચે આવો કાર્યક્રમ આપ્યો છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, બંગાળ કોંગ્રેસે લાંબા કાર્યક્રમના નિર્ણયને આવકાર આપ્યો છે. બંગાળ કોંગ્રેસે જણાવ્યું છે કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નબળી હોવાથી 10 થી 12 તબક્કાની ચૂંટણીઓ કરવી જોઇએ. ભાજપે પણ ચૂંટણી પંચના નિર્ણયને આવકાર આપ્યો છે.