રવિવારે રાજયમાં રાજકોટ સહિત 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાઓની ચૂંટણીઓ માટે મતદાન, જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા, એસઆરપીની 64 કંપનીઓ તૈનાત, સંવેદનશીલ વિસ્તારોમાં સીઆરપીએફની ફલેગ માર્ચ
શહેરી વિસ્તારની પ્રજાએ છ મહાનગરપાલિકાઓ માટે પોતાનો ચુકાદો આપી દીધો છે અને હવે ચૂંટણીઓનો તખ્તો ગ્રામ્ય ગુજરાતની ભુમિ પર ખસેડાયો છે. રાજયમાં રાજકોટ સહિત 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાઓની ચૂંટણીઓ માટે આવતીકાલ તા.28 ફેબ્રુઆરી રવિવારના રોજ મતદાન થશે. ચૂંટણી પંચ દ્વારા મતદાનની તમામ પ્રક્રિયા અને તૈયારીઓ પરીપુર્ણ કરી લેવામાં આવી છે. જબરદસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પંચાયતોની ચૂંટણીઓ સાથે કેટલાક વિસ્તારોમાં અમુક બેઠકોની પેટા ચૂંટણીઓ પણ યોજાનાર છે. રાજયભરમાં કુલ 23932 જેટલા મતદાન મથકો તૈયાર કરી લેવામાં આવ્યા છે.
રાજયભરમાં શાંતીમય રીતે મતદાન થાય એ માટે 45 હજાર પોલીસ કર્મીઓની સાથે સાથે એસઆરણીની 64 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે તેમ ગુજરાતના પોલીસ વડા આશીષ ભાટીયાએ જણાવ્યું હતું. સંવેદનસીલ ગણાતા વિસ્તારોમાં સીઆરપીની ટુકડીઓ ફલેગ માર્ચ કરી રહી છે અને તમામ સ્થળે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પંચાયતોની ચૂંટણીઓ પહેલા જ 33902 જેટલા પરવાના વાળા હથીયારો પોલીસે પાછા જમા લઇ લીધા છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે કાલે મતદાન થશે. કુલ 9.41 લાખ મતદારો માટે 1141 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. રાજકોટ કલેકટર કચેરી ખાતે મતદાન અને મતગણતરી માટે ખાસ ક્ધટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે. 2 માર્ચે મતગણતરી થનાર છે. રાજકોટ જિલ્લા પંચાયત ઉપરાંત જિલ્લાની 11 તાલુકા પંચાયતો અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણીઓ માટે પણ રવિવારે જ મતદાન છે. જિલ્લા અને તાલુકામાં મતદાન મંડળ એક જ હોવાથી એક મતદાન મથકે બે મત કુટીર રાખવામાં આવશે.
જેમાં આવનાર મતદાર જિલ્લા પંચાયતના ઉમેદવારને મત આપ્યા બાદ તાલુકા પંચાયતના ઉમેદવારને મત આપશે. આ કારણે દરેક બુથ પરથી અલગ-અલગ બે મતદાન પ્રક્રિયા થશે અને બે પરિણામ નિકળશે. દરેક તાલુકા મથકો પર ઇવીએમ પહોંચી ગયા છે. અને સ્ટાફને તાલીમ અપાઇ છે. મતદાન બાદ નિશ્ર્ચિત કરેલા મતગણના કેન્દ્રો પર ઇવીએમ મોકલી દેવામાં આવશે. રાજકોટ તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની બેઠક અને આખી તાલુકા પંચાયતી મતગણતરી માધાપરમાં થશે. જયારે લોધીકા, પડધરી અને કોટડાસાગાણી આ ત્રણેય તાલુકાની ગણતરી પડધરી સરકારી કોલેજમાં થશે. રાજકોટ જિલ્લામાં 3 હજાર પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ જણાવ્યું હતું કે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પરવાનાવાળા 92 ટકા હથીયારો પાછા કબજે લેવાયા છે અને 5574 લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા છે. વાહનોના ચેકીંગ માટે 14 સ્થળે ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં 680 બિલ્ડીંગના 1079 કેન્દ્રો પર મતદાન યોજાશે. 1082 પોલીસ જવાનો, એસઆરપીની બે કંપની અને એક પ્લાટુન, સીઆઇએસએફની એક કંપની અને 1625 હોમગાર્ડ તથા જીઆરડી સહિત 3 હજાર જવાનો ફરજ પર મુકાયા છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ બુથની યાદી તૈયાર કરી લેવાઇ છે. જયાં મતદાનના દિવસે વીડિયો સુટીંગ કરાશે.