અભિનેતા અને પૂર્વ રાજ્યસભા સાંસદ મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાયા

8

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોલકાતામાં ચૂંટણી રેલીના મંચ પર ૭૦ વર્ષીય અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જોડાઇ ગયા. પીએમ મોદીની આ રેલી કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં થઇ રહી છે. પીએમ મોદી પહોંચે તે પહેલાં મિથુન ચક્રવર્તી ભાજપમાં સામેલ થયા હતા. તેઓ રાજ્યના ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ, રાજ્યના પાર્ટી પ્રભારી કૈલાશ વિજયવર્ગીયની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.

ભાજપમાં જોડાયેલા મિથુન ચક્રવર્તીએ હુંકાર કરતાં કહૃાું કે, હું ૧૮ વર્ષનો હતો ત્યારથી જ ગરીબોની મદદ કરવા ઇચ્છતો હતો. આજે આ સપનુ પૂરું થવા જેવું લાગી રહૃાું છે. જો કોઇનું હક છીનાશે તો હું ઉભો થઇશ. હું એક નંબરનો કોબ્રા છું. ડંખીશ તો તમે ફોટો બની જશો. તેમણે કહૃાું કે, મને બંગાળી હોવા પર ગર્વ છે.

રેલીમાં મિથુન ચક્રવર્તી કાળા ચશ્મા અને કાળી ટોપી પહેરી મંચ પર પહોંચ્યા તો ત્યાં હાજર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મંચ પર કૈલાશ વિજયવર્ગીયની બાજુમાં બેસેલા મિથુન ચક્રવર્તીની પાર્ટીમાં સામેલ થવાની ઔપચારિકતા પૂરી કરવામાં આવી હતી. જે બાદ પાર્ટીના નેતાઓએ તેમનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું. જ્યારે મિથુન મંચ પર પાર્ટીનો ઝંડો લહેરાવતાં જોવા મળ્યાં હતાં.