સરકારમાં ખળભળાટ, વધુ સંગીન સુરક્ષા ગોઠવાઇ, જૈશના પકડાયેલા આતંકીની કબુલાતથી સનસનાટ
દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને આતંકવાદી જુથોના નિશાન પર આવેલા અજીત ડોભાલના નિવાસ સ્થાન અને દફતરની રેકી કર્યાની જૈશના એક આતંકવાદીએ કબુલાત કરતા ખળભળાટ મચી ગયો છે. પકડાયેલા આતંકીની પુછપરછ દરમ્યાન ધડાકો કર્યા બાદ તુરંત જ ડોભાલના ઘર અને કચેરી પર વધુ લોખંડી સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
અત્રે એ જાણવું જરૂરી છે કે, બારાકોટ પર ભારતીય વાયુ સેનાએ આતંકી કેમ્પો પર બોમ્બ વર્ષાવીને આતંકવાદીઓને સાફ કર્યા બાદ અજીત ડોભાલ અલગ-અલગ આતંકવાદીઓના હીટ લીસ્ટમાં આવી ગયા છે. આથી એમની સુરક્ષા બહુ કડક રાખવામાં આવે છે. દેશના સૌથી વધુ સુરક્ષાઘેરો ધરાવતા વીઆઇપી પૈકીના એક અજીત ડોભાલ છે. જૈશના આતંકીએ પુછપરછ દરમ્યાન કબુલાત કરી હતી કે, પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી જુથોના સંચાલકોના ઇશારે મે ડોભાલના નિવાસ સ્થાન અને સરદાર પટેલ ભવનમાં આવેલી એમની કચેરીની રેકી કરી હતી. ડોભાલ છેક 2016થી આતંકવાદી જુથોનો ટારગેટ રહયા છે. આ આતંકવાદી વિદાય તુલા મલીક કાશ્મીરના સોફીયાનનો રહેવાસી છે અને 7 દિવસ પહેલા જ તેની સલામતી દળોએ તેની ધરપકડ કરી લીધી હતી. આતંકી સંસ્થા જૈશના એક સહાયક જુથના મલીક વડા તરીકે કાર્યકરત હતો. તેની અન્નતનાગથી ધરપકડ થઇ હતી. તેને કબુલ કર્યુ હતું કે, ગત 24મી મે 2019ના રોજ ઇન્ડીગોની ફલાઇટમાં એ શ્રીનગરથી દિલ્હી પહોંચ્યો હતો અને ડોભાલની રેકી કરી હતી. બાદમાં એ બસ મારફત કાશ્મીર પાછો ફર્યો હતો. સામ્બા સેંકટરમાં પણ તેને રેકી કરી હતી.