વિશ્વના કોઇ દેશોમાં ભારત જેટલા ભાવ નથી, લોકો સ્તબ્ધ, પાકિસ્તાન જેવા દેશમાં પણ પેટ્રોલ લીટર દીઠ માત્ર રૂ.51
વિશ્વની પેટ્રોલના ભાવની સરેરાશ કરતા પણ વધુ ભાવ આપણા
આજે સતત 10માં દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો જાહેર કરીને દેશની ઓઇલ કંપનીએ બોકાસો બોલાવી દીધો છે. એક પ્રકારનો વિક્રમ સર્જાયો છે અને ગુજરાતને બાદ કરતા અન્ય રાજયોમાં પેટ્રોલના ભાવ છેવટે લીટર દીઠ રૂ.100ની સપાટીને પાર કરી ગયા છે. જનતા સ્તબ્ધ બનીને એકધારો ભાવ વધારો જોઇ રહી છે અને સહન કરી રહી છે.
આજે પણ પેટ્રોલમાં લીટર દીઠ 33 પૈસા અને ડીઝલમાં 34 પૈસાનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં પેટ્રોલના ભાવ રૂ.100ની નજીક સરકી રહયો છે. આગામી દિવસોમાં ગુજરાતમાં પણ પેટ્રોલના ભાવ વિક્રમ રૂપ રૂ.100ની સપાટી પર પહોંચી જવાની શકયતા છે. છેલ્લા 10 દિવસની અંદર પેટ્રોલમાં લીટર દીઠ રૂ.2.92 અને ડીઝલમાં લીટર દીઠ રૂ.3.16 જેવો આકરો કિંમત વધારો લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે દેશભરમાં દેકારો બોલી ગયો છે. આધાર ભુત સુત્રોએ જણાવ્યું છે કે, વિશ્ર્વમાં પેટ્રોલના ભાવની જે સરેરાશ છે તેના કરતા પણ વધુ ભાવ સપાટી ભારતમાં જોવા મળી રહી છે. વિશ્ર્વમાં પેટ્રોલનો લીટર દીઠ સરેરાશ ભાવ રૂ.78 છે. પણ ભારતમાં વિશ્ર્વની સરેરાશથી પણ કયાંય આગળ કિંમતો થઇ ગઇ છે અને હજી વધી રહી છે. અન્ય દેશોની વાત કરીએ તો ભુટાનમાં પેટ્રોલનો ભાવ લીટર દીઠ રૂ.49, ભુખરી બારસ ગણાતા પાકિસ્તાનમાં રૂ.51, રશીયામાં રૂ.47, ચીનમાં રૂ.74, બાંગ્લાદેશમાં રૂ.76 જેવો ભાવ છે.