નવી દિલ્હી, ભારતે અમેરિકા પાસેથી બે સી-૧૭ ગ્લોબમાસ્ટર વિમાનો ખરીદવાનું નક્કી કર્યું છે. લશ્કરી સરંજામ અને સૈનિકોની હેરફેર માટે આ વિમાનો આખા જગતમાં પ્રખ્યાત થયેલા છે. હાલ ભારત પાસે ૯ વિમાન છે. વધુ બે આવશે એટલે ભારતનું સંખ્યાબળ ૧૧ થશે. આ વિમાનનું ઉત્પાદન અમેરિકી કંપની બોઈંગે બંધ કરી દીધું છે. એ પછી કંપની પાસે છેલ્લા બે વિમાન હતા. એ ખરીદવા માટે ઘણા દાવેદારો હતા. પરંતુ ભારતના અમેરિકા સાથેના સારા સબંધોના પગલે એ વિમાન ભારતને મળશે. કેન્દ્રિ સંરક્ષણ મંત્રી નિર્મલા સિતારમને ત્વરા દાખવીને આ વિમાન ખરીદીનો સોદો ફાઈનલ કરવાનું નક્કી કર્યું છે. એક વિમાન ભારતને અંદાજે ૨૭૦૦ કરોડ રૃપિયામાં પડશે. પરંતુ આ વિમાન ભારત માટે ઘણા મહત્ત્વના હોવાથી સરકારે પહેલેથી જ ખરીદી માટે મન બનાવી લીધું હતું. બોઈંગ કંપનીએ ૨૭૯ નંગ વિમાન બનાવ્યા પછી તેનું ઉત્પાદન બંધ કરવાની જાહેરાત સપ્ટેમ્બર ૨૦૧૩માં કરી હતી. એ પછી ૨૦૧૫માં ભારતે અમેરિકાને ખાસ ભલામણ કરી આ વિમાન ભારતને જ મળે તેવો આગ્રહ કર્યો હતો. માટે અમેરિકાએ બીજા કોઈને વિમાન વેચી દેવાને બદલે ભારત સાથેની ડિલ ફાઈનલ થાય ત્યાં સુધીની રાહ જોવાનું પસંદ કર્યું હતું. હવે એ રાહ પુરી થવાની શક્યતા છે. ગયા સપ્તાહે મળેલી સંરક્ષણ મંત્રાલયની ડિફેન્સ એક્વિઝિશન કમિટિની મિટિંગમાં આ વિમાન ખરીદવાની ડીલ ફાઈનલ કરવામાં આવી હતી. અત્યાર સુધી વિવિધ સરકારી કામગીરી વચ્ચે વિમાન ખરીદીની ફાઈલ અટવાતી રહેતી હતી. માટે સંરક્ષણ મંત્રીએ પોતે જ કામગીરી હાથમાં લઈને વિમાન બીજા કોઈ દેશના હાથમાં જતા રહે એ પહેલા ખરીદી લેવાનું નક્કી કર્યું છે. ડિલમાં ખોટો સમય ન બગડે એટલા માટે વિમાન ફોરેન મિલિટરી સેલ કરાર હેઠળ સીધા જ ખરીદાશે. ભારતની દૂર્ગમ સરહદોએ સામાન, સૈનિકો પહોંચાડવામાં આ વિમાનો બહુ કામના છે. ઉપરાંત કુદરતી આફતના સમયમાં પણ એરલિફ્ટિંગ કરવા માટે આખી દુનિયામાં સી-૧૭ ગ્લોબમાસ્ટર બેસ્ટ ગણાય છે. આ વિમાન વાયુસેના પાસે હોવા છતાં એ ફાઈટર વિમાન નથી. તેનું વિશાળ ભંડકિયું ટેન્ક, હેલિકોપ્ટર સહિતની સામગ્રી સમાવી શકે છે અને તેની હેરફેર થઈ શકે છે.
