સ્થાનિક સ્વરાજની ચૂંટણી : રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહત્તમ ખર્ચની મર્યાદા નક્કી કરાઇ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખતા રાજ્ય ચૂંટણી પંચ દ્વારા દરેક વોર્ડ/મતદાર મંડળ માટે ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદૃા નક્કી કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે દરેક વોર્ડ/મતદાર મંડળ માટે ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા વધારવા તથા ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોના નેતાઓના ચૂંટણી પ્રક્રિયા દરમિયાન થયેલા ખર્ચના હિસાબો અંગે આદેશ કરવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા ૬ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે નવ વોર્ડથી વધુ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે ૨ લાખ ૨૫ હજાર, એકથી નવ વોર્ડ ધરાવતી નગરપાલિકાના દરેક વોર્ડના ઉમેદવાર માટે ૧ લાખ ૫૦ હજાર રૂપિયા ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયતના દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે ૪ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તાલુકા પંચાયત દરેક મતદાર વિભાગના ઉમેદવાર માટે ૨ લાખ રૂપિયા ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે.