સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં પાર્વતીજીનું ભવ્ય મંદિર બનાવવાનો નિર્ણય

સુરતના ઉદ્યોગપતિએ કરોડોનું દાન આપ્યું

સોમનાથમાં શ્રદ્ધાળુઓ માટે વધુ એક દર્શનીય સ્થળનો ઉમેરો કરવામાં આવનાર છે. હરિ અને હરના પવિત્ર ધામ સોમનાથમાં હવે માં શક્તિ પણ બિરાજમાન થશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથમાં પાર્વતીજીનું ભવ્ય મંદિર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સફેદ આરસથી અંદાજે ૨૧ કરોડના ખર્ચે માં શક્તિનું નિર્માણ થશે. તેના માટે સુરતના હીરા વેપારી ભીખુભાઇ ધામેલીયાએ મંદિર નિર્માણનો તમામ ખર્ચ આપવાનો સંકલ્પ કર્યો છે.

હાલ મળતી માહિતી પ્રમાણે સુરતના હીરા વેપારી ભીખુભાઇ ધામેલીયાએ સોમનાથ દ્રસ્ટને ૨૧ કરોડનું અનુદાન આપી દીધું છે. હવે ખુબ ટૂંક સમયમાં ૭૦૦૦ ચોરસ મીટરમાં મંદિર નિર્માણનું કામ જ શરૂ થશે. જેથી હવે સોમનાથમાં પણ શક્તિપીઠની અનુભૂતિ થશે. યજ્ઞશાળાની બાજુમાં જ આ મંદિર બનશે અને તેમાં સફેદ આરસ પથ્થરનો જ ઉપયોગ થશે. આકાશમાંથી જોવાય તો પણ પાર્વતીજીનું મંદિર અલગ દેખાય તેટલું વિશાળ બનાવવામાં આવશે. પ્રભાસમાં એક શક્તિપીઠ હોવાનું કહેવાય છે પણ તે જગ્યા ક્યા છે તે કોઇને ખબર નથી. તેથી સોમનાથમાં પાર્વતીજીનું મંદિર બનતા લોકોને શક્તિપીઠના પણ દર્શન થશે.

અહીં ભગવાન સોમનાથ સાથે ગૌલોક ધામ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ નિજધામ પધાર્યા એ મંદિર પણ છે. તો તાજેતરમાં ત્રિવેણી સંગમ નજીક ભવ્ય રામ મંદિર પણ બન્યું. પરંતુ અહીં માતાજીનું મંદિર નથી. આથી સોમનાથ ટ્રસ્ટે ૬,૦૦૦ થી ૭,૦૦૦ ચોરસ મીટર જગ્યામાં પાર્વતી માતાજીનું મંદિર નિર્માણ કરવાનો નિર્ણય કર્યો હતો. સોમનાથ દાદાના મુખ્ય મંદિર નજીક પૌરાણીક જૂની પાર્વતી માતાજીની જગ્યા જેતે સ્થિતીમાંજ રાખી મંદિર સામે યજ્ઞશાળાની બાજુમાં આ મંદિર બનાવાશે. આ સ્થળે હાલ ભાવિકો માટે એક્ઝિટ દરવાજો છે. આ મંદિર સફેદ માર્બલમાંથી બનાવાશે.