સુરતમાં ૨૦ રૂપિયા માટે મિત્રએ બીજા મિત્રની હત્યા કરી નાંખતા ચકચાર મચી

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

સુરત શહેરમાં દિવસ ઊગે અને હત્યાનો બનાવ બને છે. શહેરમાં હત્યાના બનાવોમાં સતત વધારાને પગલે પોલીસ દોડતી થઈ છે. શહેરમાં હત્યાની વધુ એક ઘટના બની છે. મળતી માહિતી પ્રમાણે ૨૦ રૂપિયાની લેતીદેતીમાં યુવાનની હત્યા કરી દેવામાં આવી છે. ઓડિશાના હમ વતની બે યુવાનો સાથે દારૂ પીધા બાદ ૨૦ રૂપિયાની લેતીદેતીમાં ઝઘડો કર્યો હતો. ઝઘડા દરમિયાન નશાની હાલતમાં એક યુવાને બીજા યુવાનને પહેલા માળેથી ધક્કો મારી દેતા તે નીચે પટકયો હતો અને મોત થયું હતું. આ કેસમાં પોલીસે દારૂના નશામાં યુવાનને ધક્કો મારનાર યુવકની ધરપકડ કરી લીધી છે.

સુરત જાણે કે ક્રાઇમ કેપિટલ બની રહૃાું હોય તેવા બનાવો દરરોજ સામે આવતા રહે છે. હવે સુરત શહેરમાં માત્ર ૨૦ રૂપિયા માટે હત્યા કરવામાં આવી છે. સુરતના સચિન ખાતે આવેલા પાલી ગામમાં ડૉક્ટર રાજેન્દ્રની ચાલમાં કેટલાક યુવાનો રહેતા હતા અને મિલમાં મજૂરી કરી વતનમાં રહેતા પરિવારને આર્થિક મદદ કરતા હતા. જેમાંથી મોટાભાગના યુવાનો ઓડિશાના છે.

જેમાં બબલુ ગૌડા તેના પડોશમાં રહેતા ઉત્તમ ધનંજય મોહંતી બંને દારૂ પીવા માટે બેઠો હતો. દારૂ પીને આ બંને યુવાન વચ્ચે રૂપિયા ૨૦ની લેતીદેતી બાબતે ઝઘડો શરુ થયો હતો. જોત જોતામાં ઝઘડાએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ઉત્તમે પહેલા માળેથી બબલુને ધક્કો મારી દીધો હતો.

નીચે પડવાને કારણે બબલુના શરીરમાં ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર ઈજા બાદ તેને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી આવી હતી અને હત્યાનો ગુનો નોંધીને મૃતકના મિત્ર એવા ઉત્તમ ધનંજય મોહંતીની ધરપકડ કરી હતી.