વડોદરા નજીક અંકોડિયા કેનાલમાં ડૂબ્યા બાદ લાપતા થયેલા યુવાનનો મૃતદેહ મળ્યો

વડોદરા નજીક અંકોડિયા કેનાલમાં ડૂબી ગયા બાદ લાપતા મિલન રાજપૂતનો મૃતદેહ મળી આવતા ફાયરબ્રિગેડના લાશ્કરોએ બહાર કાઢ્યો હતો. બે સંતાનના પિતા મિલન રાજપૂતનો પગ લપસી ગયો કે, પછી કેનાલમાં કેવી રીતે પડ્યો તે અંગેનું રહસ્ય અકબંધ છે. જોકે, પિતા જીતુભાઈ રાજપૂતનું કહેવું છે કે, પુત્રની નોકરી છૂટી ગયા બાદ પણ પરિવાર નાનો હોવાથી કોઇ આર્થિક મુશ્કેલી ન હતી. ફાયર બ્રિગેડના વર્તુળો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગોત્રી વિસ્તારમાં આવેલી મહીનગર સોસાયટીમાં રહેતા જીતુભાઇ રાજપૂત બિલ્ડીંગ મટીરીયલ વેચાણની દુકાન ધરાવે છે. પુત્ર મિલન રાજપૂત ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. કોરોના કાળના લોકડાઉન દરમિયાન નોકરી છૂટી ગઈ હતી.
તેમ છતાં પિતાની દુકાન અને આર્થિક પરિસ્થિતિ સારી હોવાથી ઘરમાં કોઇ મુશ્કેલી આવી નહોતી. સોમવારે સાંજે મિલન રાજપૂત તેના અન્ય મિત્રોની બાઈક પર રવાના થયા બાદ થોડીવારમાં પરત આવું છું તેમ કહી મિલન ઘરેથી નીકળ્યો હતો, ત્યાર બાદ તેના પિતાનો મિલન રાજપૂતે સંપર્ક સાધ્યો હતો. પપ્પા બંને છોકરાઓને ટ્યુશનેથી લઈને આવવા મેસેજ સાંભળીને પિતા જીતુભાઈ રાજપૂત બંને પૌત્રોને ટ્યુશનથી ઘરે પરત લઈ આવ્યા હતા.
થોડીવાર પછી પુત્ર મિલને તેના પિતાનો મોબાઇલ ફોનથી સંપર્ક સાધ્યો હતો અને પૂછ્યું હતું કે પપ્પા બંને છોકરાઓને ટ્યુશનથી લઈ આવ્યા છો?. એટલે પિતાએ સામે જવાબ આપ્યો હતો કે બેટા બન્નેને લઈ આવ્યો છું, ત્યાર બાદ મિલને પિતાને કહૃાું કે, હું થોડીવારમાં આવું છું. તેમ કહી મોબાઇલ ફોનથી સંપર્ક કાપ્યા બાદ મિલન રાજપૂત અંકોડિયાની કેનાલ તરફ આગળ ધપ્યો હતો.