રાજકોટમાં ૧૦ સ્થળો પર વેક્સિનેશન શરૂ થશે: ૧ સ્થળ પર ૧૦૦ લોકોને અપાશે રસી

રાજ્યભરમાં ૧૬ જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે રાજકોટ માં કોરોના વેકસીનેશનને લઈને આરોગ્ય વિભાગ સજ્જ થઇ ગયુ છે. ૧૬ જાન્યુઆરીથી રાજકોટમાં વેક્સિનેશન શરૂ કરાશે. RMCના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડએ નિવેદન આપતા કહૃાું કે, રાજકોટમાં ૧૦ સ્થળો પર વેકસીનેશ આપવાની તૈયારીઓ રાજકોટ તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેમા પ્રથમ તબક્કે અંદાજીત ૧૨૦૦૦ કરતા વધુ ફ્રન્ટ લાઈન વોરિયર્સને વેકસીન આપવામાં આવશે. દરરોજ ૧ સ્થળ પર ૧૦૦ લોકોને વેક્સિન આપવાની તૈયારી છે.

રાજકોટ મનપાના નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કાના વેકસીનેશન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આજે મ્યુ.કમિશનરની અધ્યક્ષતામાં વેક્સિનેશન માટે બેઠક બોલાવવામાં આવી હતી. રાજકોટના ૧૦ સ્થળો પર વેક્સિનેશન શરૂ કરવાનું પ્રાથમિક આયોજન ઘડવામાં આવ્યું છે. જેમાં પ્રથમ તબક્કે ૧૨૦૦૦ કરતા વધુ ફ્રન્ટ લાઈન વોરિયર્સ એટલે કે આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા કર્મચારીઓને વેક્સિન આપવામાં આવશે. જ્યારે બીજા તબક્કે ૫૦ વર્ષ કરતા વધુ ઉંમરના અને ગંભીર બીમારી વાળા લોકોને વેક્સિન આપવામાં આવશે.

મહત્વનું છે કે, દરરોજ ૧ સ્થળ પર ૧૦૦ લોકોને વેક્સિન આપવાની તૈયારીઓ છે એટલે કે રાજકોટમાં એક દિવસમાં ૧ હજાર લોકોને વેક્સિન આપવામાં આવશે. જ્યારે વેક્સિન સંગ્રહ માટે આરોગ્ય વિભાગના વેક્સિનેશન રૂમમાં પૂરતા પ્રમાણમાં ILR વ્યવસ્થા હોવાનો નાયબ આરોગ્ય અધિકારીએ દાવો કર્યો હતો.