રાજકોટમાં ફરી સાવજોના ધામા

શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન
શેરી ફેરીયાઓને લોન સહાય, બેંકો દ્વારા મેગા કેમ્પનું આયોજન

જેતપુરના પીપળવામાં મધરાત્રે 6 સિંહોએ 4 પશુનું મારણ કર્યુ: વન વિભાગ પશુપાલકો અને ખેડૂતોને સલામતિ બક્ષે તેવી ગ્રામજનોની માંગ

થોડા સમય પહેલા જેતપુરના જેતલસર પંથકના ટીંબડી ગામમાં સાવજોએ મોટી સંખ્યામાં ગાયોના મારણ કર્યા હતા. ત્યારબાદ જેતલસર સમગ્ર પંથકને વન વિભાગ દ્વારા સિંહોનો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લો વનના રાજાને ગમ્યો હોય તેમ ફરી 6 સિંહનું જૂથ જેતપુર પંથકમાં આવી ચડ્યું છે. ગઇકાલે મોડીરાત્રે 6 સિંહોએ જેતપુરના પીપળવા ગામે 3 ગાય અને 1 બકરીનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ઘણા મહિનાઓથી સાવજો જેતલસર તથા આજુબાજુના વિસ્તારમાં મધરાત્રે અથવા ધોળા દિવસે લટાર મારવા નીકળી જાય છે. ત્યારે ગત રાત્રીના સાડા ત્રણ વાગ્યાની આસપાસ છ-છ સાવજો જેતલસર પંથકના પીપળવા ગામે ચડી આવ્યા હતા. આ સાવજો પશુપાલકના વાડામાં ત્રાટકી 3 ગાય અને એક બકરી એમ કુલ 4 પશુઓનું મારણ કરતા પશુપાલકો અને ખેડૂતોમાં ભય ફેલાયો છે. પશુપાલક દિલીપભાઈ ભનુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, પોતાના ઘરની બાજુમાં ઢોર બાંધવા માટે વાડો બનાવ્યો છે. તેમાં ગત રાત્રે 3.30 વાગ્યે છ સિંહો ત્રાટકી ગાય-બકરીનું મારણ કર્યુ હતું. આ વાતની જાણ કરવા માટે રેન્જ ફોરેસ્ટ ઓફિસર મોરડીયાનો સંપર્ક કરવા પ્રયાસો કરાયા હતા. પરંતુ સંપર્ક શક્ય બન્યો નહોતો. ગામના સરપંચનો પણ સંપર્ક શક્ય ન બનતા ગ્રામજનોમાં કચવાટ જોવા મળ્યો હતો. સંબંધિત વનતંત્ર તાકીદે સિંહોનું લોકેશન મેળવી પશુપાલકો અને ખેડૂતોને સલામતિ બક્ષે તેવી અમારી માંગ છે.