રાજકોટમાં જૂના પ્રેમપ્રકરણમાં ચાર શખ્સોએ યુવાનને ધોકા-પાઈપથી માર માર્યો

રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં લાભદીપ સોસાયટીમાં રહેતા યોગેશ જમનભાઈ ધોકીયાને ચાર શખ્સોએ ધોકા-પાઈપથી માર માર્યો હતો. ઢોર માર માર્યા બાદ યુવાનને બીડીના ડામ દેવામાં આવ્યા હતા. યોગેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ અંગે યોગેશે પોલીસમાં અમિત લાડવા, મનિષ લાડવા, પરષોત્તમ લાડવા અને પારસ લાડવા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય શખ્સો વિરૂદ્ધ આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

યોગેશ વિરૂદ્ધ અગાઉ દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. યોગેશે ફરિયાદમાં જણાવ્યું છે કે હું પત્ની આશા અને એક દિકરો તથા એક દીકરી સાથે રહુ છું. મારા મમ્મી-પપ્પા અને નાનો ભાઇ તેના પરિવાર સાથે નીચેના માળે રહે છે. બુધવારે રાતે હું સુથારી કામ કરી ભરૂડી ટોલનાકેથી આવ્યો હતો અને આમ્રપાલી ફાટક પાસે કામ માટે ગયો હતો. ત્યાંથી મિત્ર ભરતભાઇ ગોવિંદભાઈ ગાંગલીયા કે જે મારી સાથે સુથારી કામ કરે છે તેને બાઇકમાં બેસાડી આમ્રપાલી ફાટકથી રૈયા રોડ તરફ મારા ઘરે જવા નીકળ્યો હતો.

આ સમયે રૈયા રોડ હંસરાજનગર સોસાયટી પાસે અમિત લાડવા અને તેનો ભાઇ પારસ લાડવા મારા બાઇક આડે આવી ઉભા રહી ગયા હતાં. મને તથા બાઇકને ધક્કો મારી પછાડી દીધા હતાં. ભરત પણ પડી ગયો હતો. ત્યાં અમિત લાડવાનો ભાઇ મનિષ અને તેના મોટા બાપા પરષોત્તમ લાડવા ધોકા-પાઇપ સાથે આવી ગયા હતાં અને મને માર મારવા માંડ્યા હતાં. મનિષે મારી નાંખવાની ધમકી આપી હતી. ચારેયએ આજે તો તને મારી જ નાંખવો છે તેમ કહેતાં લોકોનું ટોળુ ભેગું થઇ જતા ચારેય ભાગી ગયા હતા.