રસીકરણમાં અમદાવાદ પહેલા સ્થાને, બીજા સ્થાને સુરત, ત્રીજા સ્થાને દાહોદ

રાજ્યમાં કોરોના વેક્સિનેશનનો આંક ૧૯ લાખને પાર

કોરોના સામેની લડતમાં વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે, ત્યારે ગુજરાત પણ રસીકરણની દિશામાં ઝડપથી આગળ વધી રહૃાું છે. ૧૬મી જાન્યુઆરીથી શરૂ થયેલી તબક્કાવાર વેક્સિનેશનની કામગીરીમાં ગુજરાત આજે પણ દેશમાં બીજા ક્રમાંકે કાયમ છે. સૌથી વધુ રસીકરણ પડોશી રાજ્ય રાજસ્થાનમાં છે, જ્યારે બીજા નંબરે ગુજરાત છે.

રાજ્યમાં અત્યારસુધી એટલે કે ૮ માર્ચ સુધી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના આંકડા મુજબ ૧૯,૩૮,૨૪૪ લોકોએ કોરોનાની કોવિશીલ્ડ વેક્સિન લીધી છે, જેમાં સૌથી વધુ રસીકરણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં થયું છે. અમદાવાદ શહેરમાં અત્યારસુધી કુલ ૧,૭૭,૭૮૮ લોકોએ વેક્સિન લીધી છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં કુલ ૫૪,૦૦૭ લોકોએ વેક્સિન લીધી છે. જ્યારે સુરત કોર્પોરેશનની હદમાં ૧,૧૨,૧૦૨ અને સુરત જિલ્લામાં ૩૮,૯૭૧ લોકોનું વેક્સિનેશન થયું છે, જ્યારે દાહોદ જિલ્લો હજુ વેક્સિનેશનમાં ત્રીજા નંબરે યથાવત્ છે, દાહોદમાં કુલ ૯૯,૨૬૩ લોકોનું વેક્સિનેશન થયું છે.
પહેલા તબક્કામાં વેક્સિનનો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા રાજ્યમાં ૩ લાખ ૬૦ હજાર સુધી પહોંચી છે, જ્યારે ૪૫થી ૬૦ વર્ષના વય જૂથમાં કુલ ૭,૧૪,૭૧૨ લોકોનું વેક્સિનેશન થયું છે, જેમાં પણ અમદાવાદમાં સૌથી વધુ ૫૯,૦૭૪, જ્યારે બીજા ક્રમે સુરત છે. દાહોદમાં કુલ ૪૫થી ૬૦ વર્ષની વય જૂથમાં ૫૦,૮૨૭ લોકોએ રસી લીધી છે.