મોટેરા સ્ટેડિયમ બાદ વડનગર નગરપાલિકાનું નામ બદલવાની માંગ ઉઠી

અમદાવાદના મોટેરા સ્ટેડિયમ બાદ ગુજરાતની વધુ ઈમારત સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ જોડાય તો નવાઈ નહિ. વડનગર નગરપાલિકાનું નામ બદલવાની માંગ ઉઠી છે. વડનગર નગરપાલિકાનુ નામ બદલીને નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સેવાસદન કરવા માંગ કરવામાં આવી છે. વડનગર એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વતન. તેમનુ બાળપણ અહી વિત્યું છે. અહી તેમની અનેક યાદો આવેલી છે. તેથી જ વડનગર નગરપાલિકાનું નામ નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સેવાસદન કરવા માંગ કરાઈ છે. આ માટે વડનગરવાસીઓએ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં સેવાસદન સાથે નરેન્દ્ર મોદીનું નામ જોડવા માંગ કરી છે.

આ સાથે જ વડનગર પુસ્તકાલય પાસે આવેલા ચોકને નરેન્દ્ર મોદી ચોક આપવા પણ માંગ કરાઈ છે. દેશના પ્રધાનમંત્રી વડનગરના હોવાથી આ બાબતે વડનગરવાસીઓ ગર્વ અનુભવે છે. નરેન્દ્ર મોદી સાથે વડનગરની અનેક રસપ્રદ વાતો સંકળાયેલ છે. જેમાં વડનગર રેલવે સ્ટેશન પર ચાની કીટલી પર ચા વેચવાની વાત દેશભરની સાથે વિદેશોમાં પણ લોક મુખે રહી છે. વડનગરના દરેક સ્થળ સાથે પ્રધાનમંત્રી મોદીની યાદો જોડાયેલી છે. સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી બાદ વડનગરના વિકાસ માટે તેઓએ સતત પ્રયાસો કર્યા છે. વડનગરને દેશમા આગળી ઓળખ આપવા માટે તેઓ અનેક નવા પ્રોજેક્ટ્સ લાવ્યા છે.
તેથી જ લોકોની લાગણી છે કે, સેવાસદનને તેમનું નામ મળે. પીએમ મોદીએ વડનગરની મોટાભાગની પૌરાણિક ધરોહરની સાચવણી સાથે અન્ય સભ્ય સમાજ સામે વિકાસ કરી ગામનો સોળે કળાયે વિકાસ કરી પોતાના વતનનું ઋણ પણ અદા કર્યું છે. તેમજ તેમણે જે કીટલી પર ચા વેચવાનું કામ કર્યું છે તેની જાળવણીની પ્રક્રિયા પણ હાથ ધરી સમગ્ર રેલવે સ્ટેશનનો વિકાસ હાથ ધરાયો હતો. નરેન્દ્ર મોદી બાળપણથી જ સાહસી હતા અને સ્કુલમાં પણ મોનિટરની ચૂંટણીની પ્રક્રિયામાં બિનહરીફ વિજય થતા એટલે રાષ્ટ્ર સેવા અને સમાજ સેવા બાળપણથી જ નરેન્દ્ર મોદીના સ્વભાવમાં છે તેમ સ્થાનિકોએ જણાવ્યું હતું.