ભુજ, ગીર સોમનાથ અને ગણદેવી નગરપાલિકા ભાજપનો ભગવો લહેરાયો

માળિયા નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો થયો
ગણદેવી નગરપાલિકામાં ૨૪ માંથી ૨૪ બેઠકો ભાજપના ફાળે ગઈ

ગુજરાતની ૩૧ જિલ્લા પંચાયત, ૨૩૧ તાલુકા પંચાયત તથા ૮૧ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેના એક પછી એક પરિણામો સામે આવ્યા હતા. નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાની તમામ બેઠકો ભાજપના ફાળે ગઈ છે અને કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. ગણદેવી નગરપાલિકામાં ૨૪ માંથી ૨૪ બેઠકો ભાજપના ફાળે ગઈ છે.

ભાજપ શાનદાર દેખાવ કરીને વિજયકૂચ કરી રહૃાો છે અને ભુજ નગરપાલિકામાં ભાજપે સત્તા કબજે કરી છે. ભુજ નગરપાલિકામાં કુલ ૪૦ બેઠક છે અને તેમાંથી ૨૧ બેઠકો જીતીને ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. વોર્ડ નંબર ૧૦માં ભાજપની પેનલની જીત થતાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે જ્યારે કોંગ્રેસે માત્ર ૭ બેઠકો જીતી છે.

ગીર સોમનાથની નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. ઉના નગર પાલિકામાં ૩૬માંથી ૩૫ બેઠક પર ભાજપનો વિજય થયો છે. જ્યારે એક અપક્ષ ઉમેદવાર જીત્યા છે. જોકે, કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે અને એક પણ બેઠક જીતી શક્યા નથી. આ કોંગ્રેસના નેતા પૂંજા વંશનો વિસ્તાર છે, જેમાં કોંગ્રેસના સૂપડાસાફ થઈ ગયા છે.

સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસ માટે પહેલા સારા સમાચાર આવ્યા છે અને માળિયા નગરપાલિકા પર કોંગ્રેસનો કબજો થયો છે. કોંગ્રેસે માળિયા નગરપાલિકાની ૨૪ બેઠકોમાંથી ૨૦ પર કબજો કરીને ભાજપને કારમી પછડાટ આપી છે. માળિયા નગરપાલિકાના વોર્ડ નંબર ૧થી વોર્ડ નંબર ૫માં કોગ્રેસની જીત થઈ છે અને દરેક વોર્ડની ચાર-ચાર બેઠકો કોંગ્રેસે જીતી છે.