ભુજમાં સર્જાયો ઇતિહાસ: ૨૨ દિકરીઓએ ૨૫ મિનિટ ક્લાસિકલ ડાન્સ કરી બનાવ્યો રેકોર્ડ

વિશ્ર્વ મહિલા દિને ભુજમાં કાર્યરત કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રની અનાથ બાળાઓએ એક મોટો રેકોર્ડ બનાવીને ગુજરાત સહિત દેશનું નામ રોશન કર્યું છે. તેમણે નોન સ્ટોપ ૨૫ મિનિટથી વધુ સમય સુધી ક્લાસિકલ ડાન્સ રજુ કરીને અનોખો વર્લ્ડ રેકર્ડ ઓફ ઇન્ડિયામાં સ્થાન મેળવ્યું છે. આ અનાથ બાળાઓ છેલ્લા સવા મહિનાથી ક્લાસિકલ ડાન્સમાં માહિર પાસે કલા શીખી રહી છે.

વર્લ્ડ રેકર્ડ ઓફ ઇન્ડિયામાં રેકર્ડ માટે જજની પેનલમાં સામેલ મિલન સોનીએ જણાવ્યું હતું કે, કચ્છ કે ગુજરાતમાં ક્યાંય પણ અનાથ દિકરીઓએ રેકોર્ડ બનાવ્યો હોય તેવી ઘટના નથી. ભુજમાં પહેલીવાર ઇતિહાસ સર્જાયો છે. જેમાં ૧૬ અનાથ દિકરીઓ સાથે કેન્દ્રના ૬ સ્ટાફ ગણ મળીને કુલ ૨૨ દિકરીઓ સતત ૨૫ મિનિટથી વધુ ક્લાસીક સંગીત ઉપર ડાન્સ રજુ કર્યો હતો.

દિકરીઓ ક્લાસીક નૃત્યમાં પારંગત બની શકે તે માટે છેલ્લા દોઢ માસથી પર્ફોમીંગ આર્ટસનાં ગોલ્ડ મેડાલિસ્ટ એઈસા ઠક્કર દ્વારા તાલિમ આપવામાં આવી હતી. મહિલા દિને અનાથ બાળાઓ પોતાના નામે રેકોર્ડ બનાવ્યો ત્યારે તેના સાક્ષી મહિલા કેન્દ્રમાં રહેતી અન્ય અનાથ બાળાઓ પણ બની હતી અને તેમનામાં કંઇક કરી છુટવાની ભાવના પણ કેળવી હતી.