પિતાએ કોલ્ડ્રીકસ પૈસા ન આપતા ૧૧ વર્ષના બાળકનો આપઘાત

અમદાવાદમાં આપઘાતના બે બનાવો બન્યા

માવો લેવા પૈસા ન આપતા યુવકે ઝેરી દવા પીધી

લોકો સામાન્ય વાતમાં માઠું લગાડીને આપઘાત કે આપઘાતનો પ્રયાસ કરતા હોય છે. માઠું લાગવાની પરાકાષ્ઠા સમાન બે કિસ્સા રાજ્યમાં સામે આવ્યા છે. જેમાં એક બનાવમાં એક ૧૧ વર્ષના બાળકે પિતાએ પેપ્સી ન પીવડાવતા આપઘાત કરી લીધો છે. બીજા બનાવમાં એક યુવકે પિતાએ માવો ખાવા માટે પૈસા ન આપતા માઠું લાગતા આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ બંને બનાવો સમાજ માટે ખરેખર ચિંતા સમાન છે. પ્રથમ બનાવ પાટણના સિદ્ધપુર ખાતે બન્યો છે, જ્યારે બીજો બનાવ અમરેલીના ખાંભા ખાતે બન્યો છે.

બનાવ-૧: માવાના પૈસા ન આપતા ઝેરી દવા પી લીધી

સામાન્ય અર્થમાં માવો એટલે દૃૂધની બનાવટની એક વસ્તુ. પરંતુ ગુજરાતમાં એક બીજો માવો પણ પ્રસિદ્ધ છે, જે સોપારી, તંબાકુ અને ચૂનાનું મિશ્રણ હોય છે. આ બીજા માવાને પગલે એક યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. અમરેલીના ખાંભાના હંસાપરા વિસ્તારમાં એક યુવકે પિતાએ માવો ખાવા માટે પૈસા ન આપતા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પિતાએ માવો ખાવાના પૈસા ન આપતા યુવકને લાગી આવ્યું હતું અને તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. મળતી માહિતી પ્રમાણે હંસાપરામા રહેતા કમલેશ નામના યુવકે પિતા વિઠ્ઠલભાઇએ માવો ખાવાના ૧૦ રૂપિયા માંગ્યા હતા. પિતાએ ૧૦ રૂપિયા ન આપતા કમલેશે ઝેરી દવા પી લીધી હતી. હાલ યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

બનાવ-૨: પિતાએ પેપ્સી ન પીવડાવતા બાળકનો આપઘાત

પાટણના સિદ્ધપુરમાં એક ૧૧ વર્ષના બાળકે પિતાએ પેપ્સી લેવા માટે પૈસા ન આપતા આપઘાત કરી લીધો છે. દીકરાની તબિયત સારી ન હોવાથી પિતાએ તેને પેપ્સી માટે પૈસા આપ્યા ન હતા. જે બાદમાં દીકરાએ ઘરનો દરવાજે બંધ કરીને પંખા સાથે દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. આ વાતની જાણ થતાં જ પિતાએ તેને તાબડતોબ હૉસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, ડૉક્ટરોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.

એવી પણ માહિતી મળી છે કે આપઘાત કરી લેનાર બાળકને રિક્ષા ચલાવતાં શબ્બીર હુસેન ચૌહાણે સાળી પાસેથી દત્તક લીધો હતો. બાળક સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતો હતો. મળતી માહિતી પ્રમાણે પુત્રએ પેપ્સી પીવા માટે પૈસા માંગ્યા બાદ શબ્બીરભાઈએ તેને મનાઈ કરી દીધી હતી અને તબિયત બગડી જશે તેવું કહૃાું હતું. આ વાત બાદ દીકરાને લાગી આવ્યું હતું અને તેણે આપઘાત કરી લીધો હતો. દીકરાએ આપઘાત કર્યો ત્યારે શબ્બીરભાઈ રિક્ષા લઈને બહાર ગયા હતા.

૧૧ વર્ષના પુત્રએ આપઘાત કરી લેતા શબ્બીરભાઈના માથે જાણ આભ ફાટી પડ્યું હતું. કારણ કે તેમણે આપઘાત કરી લેનાર દીકરો સાળી પાસેથી દત્તક લીધો હતો. એક તરફથી દીકરાના આપઘાતનું દૃુ:ખ અને બીજી તરફ તેઓ પોતાની સાળીને શું મોઢું બતાવશે તે અંગે વિચારીને આખો પરિવાર ધ્રૂસકે ધ્રૂસકે રડ્યો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ કરી છે. તપાસમાં એવી વિગત સામે આવી છે કે બાળકે આપઘાત માટે એવો સમય પસંદ કર્યો હતો જ્યારે ઘરમાં કોઈ ન હતું.