દાંડી સોલાર ટ્રી પ્રોજેકટ ખોટકાયો: ૨૦ લાખ ખર્ચનો અંદાજ

દાંડી મેમોરિયલમાં આવેલ ૪૧ સોલાર ટ્રી કેટલાક સમયથી બંધ થયા છે અને માત્ર ૨ વર્ષમાં જ તેના મેઇન્ટેનન્સનો ખર્ચ ૨૦ લાખ રૂપિયા આવતા ચર્ચાસ્પદ બન્યા છે. જાન્યુઆરી ૨૦૧૯થી ઐતિહાસિક દાંડીમાં શરૂ થયેલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલમાં લોકો માટે અનેક જોવાના આકર્ષણ છે. જેમાનું એક આકર્ષણ અહીં જમીન ઉપર ઉભા કરાયેલ ૪૧ સોલાર ટ્રી પણ છે. ભારતમાં જવલ્લે જ આવો પ્રોજેકટ હોવાનું પણ જાણવા મળે છે.

અનોખા સોલાર ટ્રી મારફત સૂર્યપ્રકાશથી વીજ ઉત્પાદન કરવામાં આવે છે અને તેનો વપરાશ મેમોરિયલમાં કરવામાં આવે છે. જોકે આ સોલાર ટ્રી પ્રોજેકટમાં ચોમાસામાં નુકસાન થયું છે અને અવારનવાર બંધ રહે છે. હાલ પણ દોઢ-બે મહિનાથી પ્રોજેકટ બંધ જેવો જ છે અને ત્યાંથી વીજ મળતી ન હોવાનું જાણવા મળ્યું છે. આ ખોટકાયેલ સોલાર ટ્રી પ્રોજેકટને હવે માત્ર બે વર્ષમાં જ રીપેર અને મેઇન્ટેનન્સ કરવાનો નિર્ણય કરાયો છે અને તેના ખર્ચનો અંદૃાજ ૨૦.૨૮ લાખ રૂપિયા જેટલો માતબર મુકાયો છે,

જે મેઇન્ટેનન્સ કરવા ગુજરાત ટુરિઝમે જાહેરાત પણ બહાર પાડી છે. સોલાર ટ્રી પ્રોજેકટમાં જે ખામી સર્જાઈ છે તે મુખ્યત્વે કેબલ ફોલ્ટની હોવાનું જાણવા મળે છે. ચોમાસામાં વરસાદી પાણીથી આ મુશ્કેલી સર્જાઈ રહી છે. જોકે ચોમાસામાં વરસાદ પડતો હોય છે તેથી તેના પાણીને ધ્યાને લઇ શું ડિઝાઇન ન બનાવાઈ હતી ?