તાપીમાં બની કરૂણાંતિકા

SaurshtraKranti logo

ભાઇના આપઘાતના સમાચાર બાદ નાની બહેનને પણ આવ્યો હાર્ટ એટેક, બન્નેના મોત

તાપી જિલ્લાના કુકરમુંડામાં એક દુખદ કિસ્સો સામે આવ્યો છે. ભાઇએ આપઘાત કરી લેતા બહેન આખી રાત રડતી રહી. અને સવારે તેને દયરોગનો હુમલો થતા ભાઇને છેલ્લે હૉસ્પિટલના જે ખાટલે સારવાર માટે સૂવડાવવામાં આવ્યો હતો ત્યાં જ બહેનને પણ સૂવડાવવામાં આવી. અને ત્યાં જ બહેનનું પણ પ્રાણ પંખેરું ઉડી ગયુ. આ કરૂણાિંતકાને કારણે પરિવાર અને ગામમાં જાણે આભ ફાટ્યું હોય તેવી દુ:ખની લાગણી છવાઇ ગઇ છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, કુકરમુંડા તાલુકામાં રહેતાં દિપક હીરામણભાઇ પાડવી (ઉ.વ.૩૫) ટેમ્પા પર ડ્રાઈવર તરીકે મજૂરી કામ કરતા હતા. તેમની ૩૩ વર્ષની બહેન સુનિતા પ્રફુલભાઇ પાડવી નંદરબાર જિલ્લાના વ્યાહુર ગામે પરણેલા હતા અને તેમને ત્રણ બાળકો છે. તેમના ૭૦ વર્ષના વૃધ્ધ પિતા હીરામણભાઈ સાથે રહેતા દિપક પાડવીએ સોમવારે રાત્રે ૯ કલાકની આસપાસ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જે બાદ તેમને સારવાર માટે નિઝર સરકારી હોસ્પિટલમાં લઇ જતા સારવાર દરમિયાન મોત થયું હતુ.

ભાઈનું અવસાન થતાં ત્યાં રહેવા આવેલી નાની બહેન પણ ભાંગી પડી હતી. બહેનને ચાર વર્ષ પહેલાં વાલ્વનું ઓપરેશન કરાવ્યું હતુ. નાની બહેને આખી રાત કાંઇપણ ખાધાપીધા વગર રડી રહી હતી. તેમણે માંદગીની દવા પણ લીધી ન હતી. આ દરમિયાન મંગળવારે સવારે તેમને પણ હદયરોગનો હુમલો આવતા તાત્કાલિક સરકારી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોગાનુજોગ ભાઈને સારવાર માટે જે ખાટલા પર સૂવાડવામાં આવ્યો હતો તેની પર સુતા જ નાની બહેન સુનિતાને સૂવડાવામાં આવી હતી.

નાની બહેને પણ ૧૧ વાગ્યાની આસપાસ દમ તોડયો હતો. નોંધનીય છે કે, આ બંન્ને ભાઇબહેનના લગ્ન પણ એક જ માંડવે થયા હતા. આમ એક જ માંડવે લગ્ન કરનારા ભાઇ બહેનનો ૨૪ કલાકની અંદર અને એક જ ખાટલે જીવ ગયો હતો. જેના કારણે આખા પંથક અને પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.