જાંબુડિયામાં ૨ દિવસ પહેલા બીજાના ઝઘડામાં નિર્દોષ યુવાનની હત્યા, ઘટના કેમેરામાં કેદ

મોરબી તાલુકાના જાંબુડિયા ગામ પાસે એક યુવાનની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવી હતી. જેમાં શનિવારે સાંજે ત્રણ શખ્સો એક યુવાનને માર મારી રહૃાા હોય એ દરમિયાન આ મૃતક યુવાન ત્યાંથી નીકળતા પેલા યુવાનને બચાવવા આવ્યો હોવાની શંકા કરીને ત્રણ શખ્સોએ તેને છરીના ઘા ઝીંકી પતાવી દીધો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જો કે સમગ્ર મામલે મૃતકની પત્નીએ અજાણ્યા ત્રણ શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. મોરબીના જાંબુડિયા ગામ નજીક લેટીના કારખાના પાસેના ગેઇટ પાસે લાલપર ગામ પાસે બાઇકમાં આવેલા ત્રણ શખ્સે કારખાનાં કામ કરતા અને ત્યાં જ રહેતા સુનિલ ભદીયાભાઈ નામના યુવાન સાથે જૂની અદાવતનો ખાર રાખીને ત્રણ શખ્સે માર માર્યો હતો.

એક શખ્સે બાઈક પરથી ઉતરીને છરી કાઢીને સુનિલનો કાંઠલો પકડી તેના પર હુમલો કર્યો હતો. બાદમાં સુનિલ તેનાથી બચીને ત્યાંથી નીકળી ગયો હતો. આ સમયે વરિંસગ ફતીયાભાઈ નામનો પરપ્રાંતીય યુવાન ત્યાંથી નીકળ્યો હતો. આથી ત્રણેય શખ્સે વરિંસગ સુનિલને બચાવવા આવ્યો હોવાનું સમજીને ત્રણેય શખ્સોએ વરિંસગની છરીને ઘા ઝીંકીને હત્યા કરી ફરાર થઇ ગયા હતા. જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે સીસીટીવીના આધારે ત્રણેય શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે.

બનાવ બાદ યુવકને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકના પત્નીની મોરબીના જાંબુડિયા ગામે આવેલ લેટીના સિરામીક ટાઇલ્સ કારખાનામાં રહીને મજૂરી કામ કરતી લીલાબેન ઉર્ફે લલિતાબેન વરિંસગભાઈ વહોનિયાએ(ઉં.વ.૪૩) ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે તાલુકા પોલીસે ગુનો નોંધી ત્રણેય આરોપીઓને ઝડપી લેવા સઘન તપાસ હાથ ધરી છે.