કાયમી કરવાની માંગ સાથે કોરોના વોરિયર્સનું ગાંધીનગરમાં પ્રદૃર્શન, થઈ અટકાયત

સિવિલ હોસ્પિટલના લેબ ટેક્નિશિયન અને લેબ આસિસ્ટન્ટ આજે કાયમી કરવાની માંગ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. પરંતુ કોરોનાકાળમાં કપરી કામગીરી બજાવનાર આ કર્મચારીઓ જ્યારે પોતાના હક માટે સરકાર સામે પહોંચ્યા તો તેઓની અટકાયત કરવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર ભરતી મુદ્દે ગુજરાતમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. તમામ કર્મચારીઓની ગુજરાત સરકાર સામે નોકરીમાં કાયમી કરવાની માંગ ઉઠી છે. ભરતીના ૭ વર્ષ થયાં છતાં કાયમી નિમણૂંક નહીં આપાતા ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં કાર્યરત લેબ ટેકનેશિયન અને લેબ આસિસ્ટન્ટ વિરોધ પર ઉતર્યા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા વર્ગ ૩ ના કર્મચારીઓની ૨૦૧૩ માં ભરતી કરવામાં આવી હતી. પરંતુ રાજ્યમાં ૪૫૦ થી વધુ કર્મચારીઓની ભરતીને ૫ વર્ષ થી વધુ સમય થવા છતાં કાયમી નિમણૂક નહીં અપાતા તેઓ રજૂઆત કરવા ગાંધીનગર પહોંચ્યા હતા. વિભાગ અને સરકારમાં અનેક રજૂઆતો કર્યા છતાં કાયમી નિમણૂંક પત્રો આપવામાં આવ્યા નથી, જેથી કર્મચારીઓમાં ગુસ્સો જોવા મળ્યો હતો. સચિવાલયની બહાર પ્રદર્શન કરતા કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી આવેલા લેબ ટેકનિશિયન અને લેબ આસિસ્ટન્ટ દ્વારા સચિવાલયના ગેટ નંબર ૧ સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.

કોરોના કાળ દરમિયાન કરેલી કામગીરી જો પ્રોત્સાહિત કરવી હોય તો કાયમી નિમણૂક આપવાની માંગણી તમામ દ્વારા કરવામાં આવી હતી. શાંતિપૂર્વક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને વિરોધ કરી રહેલા કર્મચારીઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેઓને ખીચોખીચ રીતે પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા. અટકાયત છતા કર્મચારીઓ ઉગ્ર બન્યા હતા.