ઇમરજન્સીને પહોંચી વળવા ૧૩ જેટલી ૧૦૮ની ટીમ સ્ટેન્ડબાય રહેશે

ગાંધીનગર જિલ્લામાં ઉત્તરાયણમાં

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહૃાા છે. ઉત્તરાયણમાં ઈમરજન્સી બનાવો વધુ બનતા હોય છે તે માટે ઈમરજન્સી સેવામાં અસુવિધા ઉભી ન થાય તે માટે ૧૦૮ના ૧૩ વિવિધ સ્થળો પર ૭૦ જેટલો સ્ટાફ સાથે ૨૪ કલાક એમ્બ્યુલન્સને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

ગાંધીનગર ખાતે કુલ ૧૩ જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે. કોરોના મહામારી હોય કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સી સેવા માટે ૧૦૮ દર વખતે તૈયાર હોય છે. ઉત્તરાયણમાં દોરીથી કપાવાનાં, ફોલ ડાઉન, રોડ અકસ્માતના બનાવો તથા અન્ય મેડિકલ ઇમરજન્સીમા વધારો થતો હોય છે. આથી ઇન્ફોસિટી, સેક્ટર ૧૭, સેક્ટર ૨૦, ચિલોડા, માણસા, રાંધેજા, મહુડી અડાલજ, કલોલ, ખાત્રજ સાથે બહિયલ, રખિયાલ અને દહેગામ જેટલા વિવિધ લોકેશન પર ૧૦૮ ઇમરજન્સી સેવા મેઈન હાઇવે પર ૨૪ કલાક ખડે પગે રહેશે. તેમ ગાંધીનગર જિલ્લા પ્રોગ્રામ મેનેજર સંદિપ ગઢવી તથા અક્ષય પંચાલ એ જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, રાજયમાં ઉત્તરાયણને લઈ લોકોમાં ભારે આતુરતા જોવા મળતી હોય છે અને સવારથી જ લોકો પોત પોતાના ધાબા પર પતંગ ચગાવવા માટે પહોંચી જતા હોય છે. ત્યારે આ વખતે સરકારે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખી ઉત્તરાયણને લઈ ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. જેમાં ધાબા પર ફકત પરિવારજનો સાથે જ ઉત્તરાયણ ઉજવી શકશે.