આગામી એપ્રિલ સુધીમાં અમદાવાદ- ઉદયપુર વચ્ચે ટ્રેનો દોડતી થશે

કોરોના મહામારીમાં પરિવહનની તમામ સુવિધાઓ બંધ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે ફરીવાર જિંદગી પાટે ચઢી છે. આગામી એપ્રિલ માસ સુધીમાં અમદાવાદ અને ઉદયપુર વચ્ચે ટ્રેનો દોડતી થશે. હાલમાં હિંમતનગરથી ડુંગરપુર વચ્ચે રેલવે લાઈન નાંખવાનું કામ પૂર્ણ થયું છે. જ્યારે ડુંગરપુરથી ઉદયપુર વચ્ચેની કામગીરી ચાલી રહી છે. તે ઉપરાંત ડુંગરપુરથી હિંમતનગર રૂટ પર પરિક્ષણ માટે ટ્રેન દોડાવીને તેનું ટેસ્ટીંગ કરવામાં આવી રહૃાું છે. તે ઉપરાંત મુંબઈથી દિલ્હી જતી ટ્રેનોને હવે અમદાવાદથી ઉદયપુરનો વધુ એક વૈકલ્પિક રૂટ મળી રહેશે.

રેલવેના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે હાલમાં અમદાવાદથી ઉદયપુર વચ્ચેના સમગ્ર રૂટ પર બ્રોડગેજ લાઈન નાંખવાનો ૧૬૦૦ કરોડનો પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે. જેમાં અત્યાર સુધીમાં અમદાવાદ હિંમતનગર અને ડુંગરપુર વચ્ચે નવો ટ્રેક નંખાઈ ગયો છે. પ્રથમ તબક્કામાં અમદાવાદ-હિંમતનગર બ્રોડગેજ લાઈન નંખાઈ હતી. ત્યાં ટ્રેનો પણ દોડતી થઈ ગઈ છે. હિંમતનગરથી ડુંગરપુર વચ્ચે ટ્રેક નાંખવાની કામગીરી હાલમાં પૂર્ણ થઈ છે. આ ૭૧ કિલોમીટરના રૂટ પાછળ ૧૨૦૦ કરોડનો ખર્ચો થઈ ગયો છે.

હાલમાં આ ટ્રેક પર ૧૫થી ૨૧ ડિસેમ્બર સુધીમાં ટેસ્ટિંગ માટે પરિક્ષણ ગાડી દોડાવાઈ રહી છે. તે ઉપરાંત આગામી ૧૯મીથી ૨૧મી ડિસેમ્બર દરમિયાન રેલવે સુરક્ષા અધિકારી ટ્રેક નિરિક્ષણ માટે આવશે. તેઓ નિરિક્ષણ કર્યા બાદ રીપોર્ટ તૈયાર કરશે. તેમના રીપોર્ટ બાદ લીલીઝંડી મળતાંની સાથે જ હિંમતનગરથી ડુંગરપુર વચ્ચેની રેલવે સેવા ચાલુ થઈ જશે.