શહેરમાં કોરોનાને કાબૂમાં લેવા માટે એક તરફ સઘન ટેસ્ટિંગની વાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે, જેની વચ્ચે આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સઘન ટેસ્ટિંગની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી છે. કોરોનાનાં લક્ષણો, જેવાં કે તાવ, શરદી કે ઉધરસ ધરાવતા લોકોના જ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. સમગ્ર શહેરમાં કોરોના ટેસ્ટ માટે ડોમ ઊભા કરવામાં આવ્યા છે. ત્યાં હવે ટેમ્પરેચર ગનથી શરીરનું તાપમાન માપી રવાના કરી દેવામાં આવે છે.
આ મામલે ડેપ્યુટી હેલ્થ કમિશનર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે અમારા ધ્યાન પર આવ્યું હતું કે જે લોકોને લક્ષણો નથી છતાં પણ તેઓ ડોમમાં અને અન્ય જગ્યાએ ટેસ્ટ કરાવવા માટે આવતા હતા, જેથી હવે જેને કોરોનાનાં લક્ષણો, જેવાં કે તાવ, શરદી, ઉધરસ હોય તેમના જ ટેસ્ટ કરવામાં આવશે. જે લોકો કોરોના પોઝિટિવ દર્દીના કોન્ટેક્ટમાં જેવા કે પોઝિટિવ દર્દીના ઘરમાં રહેલા લોકો અને તેની સાથેના લોકોના ટેસ્ટ કરવામાં આવશે. જેને લક્ષણ નહિ હોય તેને હવે ટેસ્ટ કરાવવાની જરૂર નથી.