સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનેગારો અને બુટલેગરોને પોલીસનો કોઈ ડર ન હોય તેવા બનાવો સતત સામે આવી રહૃાા છે. તેમાં પણ ફાયરીંગના અનેક બનાવો સામે આવતા રહે છે. તો જિલ્લામાંથી સમયાંતરે દેશી બનાવટનો વિદેશી દારૂ પકડાતો રહે છે. હાલ દિવાળીના તહેવારો ચાલી રહૃાા છે ત્યારે બુટલેગરો ખાસ દારૂ ઉતારતા હોય છે. ત્યારે માલવણ હાઇવે પર પોલીસ અને બુટલેગર વચ્ચે સામસામે ફાયરીંગ થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધનતેરસનું મુહૂર્ત ફાયરીંગથી થયું છે તેમ કહી શકાય. મળતી માહિતી પ્રમાણે ગેડીયા ગેંગની વિદેશી દારૂ ભરેલી કારને પોલીસે માલવણ પાસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
આ દરમિયાન બંને પક્ષ તરફથી ફાયરીંગ થયું હતું. માલવણી હાઇવે પર જાણે કે કોઈ ફિલ્મનું શુટિંગ ચાલી રહૃાું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે કાર અટકાવવાનો પ્રયાસ કરતા બુટલેગર તરફથી પોલીસ જેમાં સવાર હતી તે ખાનગી કાર પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું. જે બાદમાં બુટલેગરો પોલીસની કાર સાથે કાર અથડાવીને ભાગી ગયા હતા. ફાયરીંગમાં પોલીસ જે કારમાં સવાર હતી તે કારને પણ નુકસાન થયું છે. બુટલેગરો કાર લઈને નાશી છૂટતા પોલીસે પણ તેમનો પીછો કર્યો હતો. આ દરમિયાન બુટલેગરો કાર મૂકીને ભાગી ગયા હતા. જોકે, પોલીસે બુટલેગરોને પકડી પાડવા માટે ફાયરીંગ કર્યું હતું.
આ દરમિયાન એક બુટલેગરના પગ પર ગોળી વાગતા તે ઝડપાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં બુટલેગરો જાણે કે બેફામ બની ગયા છે. અહીં ઠેર ઠેર લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઠલવાતો રહે છે. ઘાયલ બુટલેગરને હાલ સારવાર માટે સી.યુ.શાહ મેડિકલ કૉલેજ હૉસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અહીં કોરોના ટેસ્ટ બાદ પોલીસ તેની વિધિવત રીતે ધરપકડ કરશે. આ સાથે જ પોલીસે કાર સહિત દારૂનો મોટો જથ્થો પણ જપ્ત કર્યો છે. એવી પણ માહિતી મળી છે કે કારમાં બે લોકો સવાર હતા. જેમાંથી એક વ્યક્તિ ભાગવામાં સફળ રહૃાો છે.