સુરત-વડોદરાની સ્કૂલમાં ૧૦ વિદ્યાર્થી કોરોના સંક્રમિત, વાલીઓમાં ફફડાટ

5

રાજ્યમાં કોરોના સંક્રમણ ફરી વધી રહૃાું છે. શાળાના કેટલાક વર્ગો શરૂ કરવામાં આવતા કેટલાક વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થઇ રહૃાા છે. સુરત અને વડોદરાની શાળામાં ૧૦ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા વાલીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે. સુરતના વરાછા અને લીંબાયત વિસ્તારની શાળા તેમજ વડોદરામાં આનંદ વિદ્યા વિહાર સ્કૂલના વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે. હવે વાલીઓમાં ડર ફેલાયો છે કે. વિદ્યાર્થીઓને સ્કૂલમાં મોકલવા કે ના મોકલવા, વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થાય તો જવાબદારી કોની.

સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહૃાુ છે. કોરોનાના કપરા કાળમાં સતત કેસની સંખ્યા વધતા સુરત મહાનગરપાલિકા દ્વારા રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહૃાા છે. સરકાર દ્વારા સ્કૂલના કેટલાક વર્ગ શરૂ કરવામાં આવ્યા છે. સુરતની વરાછા સહિત લીંબાયતની શાળાના કુલ ૭ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. વરાછા વિસ્તારમાં આવેલી કૈલાશ વિદ્યાલયના ધોરણ ૭ના ૫ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે જેને કારણે ધોરણ ૭નો એક વર્ગ બંધ કરવામાં આવ્યો છે. બીજી તરફ લીંબાયતની શાળામાંથી બે વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યા છે. લીંબાયતની ૧૩ શાળા-કોલેજોમાં શિક્ષક-વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કુલ ૫૩૩ શિક્ષક અને વિદ્યાર્થીનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો જેમાંથી બે વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા હતા. તમામ વિદ્યાર્થીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

સુરતમાં સ્કૂલની સાથે સાથે વેપારીઓનું પણ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહૃાુ છે. ખાસ કરીને મુંબઇથી આવતા લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહૃાુ છે. કોરોના ટેસ્ટિંગ કરવામાં આવતા સુરત શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે.

વડોદરામાં સ્કૂલમાં ૩ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ થયા છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી આનંદ વિદ્યા વિહાર સ્કૂલના ૩ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે. ૩ વિદ્યાર્થીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્કૂલને એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવી છે.