સુરતમાં બીડી માંગવા બાબતે ઝઘડો, ધક્કો મારતા યુવક નીચે પડ્યો અને થયું મોત

સુરત જાણે ગુનાખોરીનું કેપિટલ બની ગયું હોય તેમ લાગી રહૃાું છે. અહીં અવારનાર હત્યા, હત્યાના પ્રયાસના બનાવ બનતા રહે છે. સુરતના સરથાણા વિસ્તારમાં બીડી માંગવા મામલે બે શ્રમિકો વચ્ચે થયેલા ઝઘડા બાદ મારામારી થઈ હતી. જેમાં એક યુવકે બીજાને ધક્કો માર્યા બાદ જમીન પર પટકાયેલા યુવાનનું મોત થઈ ગયું હતું. આ ઘટનાની જાણકારી મળતા પોલીસે આ મામલે ગુનો નોંધીને શરૂ કરી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી સામાન્ય બાબતે મારામારી અને હત્યા જેવી ઘટના બને છે. થોડા દિવસ પહેલા સચિનમાં ૨૦ રૂપિયાના ઝઘડામાં એક યુવાને બીજા યુવાનને પહેલા માળેથી નીચે ધક્કો મારી દીધી હતો.

નીચે પટકાયા બાદ યુવકનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ધરપકડ કરી હતી. શહેરમાં આવી બીજી ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા ભરવાડ ફળીયામાં રામકૃષ્ણ કોલોનીમાં રહેતો ૨૩ વર્ષીય મઘા રણછોડભાઈ સાટીયા શનિવારે સવારે સરથાણાના શ્યામઘામ મંદિર બાજુમાં લાયન સર્કલ પાસે કામ અર્થે ગયો હતો. ત્યાં પરિચિત વ્યક્તિ સાથે બીડી માંગવાના મુદ્દે તેની ઝપાઝપી થઇ હતી. જેથી મઘાને છોડાવવા તેનો મિત્ર અજય વચ્ચે પડ્યો હતો.

જેથી તેના મિત્રના જમણા હાથમાં પીવીસી પાઇપ માર્યો હતો. બાદમાં પરિચિત વ્યક્તિએ મઘાને ધક્કો મારતા તે જમીન પર જ પડી ગયો હતો. બાદમાં તે રહસ્યમય સંજોગોમાં બેભાન થઈ ગયો હતો. જે બાદમાં તેને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડાયો હતો. અહીં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગઈ હતી.